હરિયાળો પ્રયાસ: કેન્સરને હરાવી પ્રકૃતિની સેવા તરફ કાંતિલાલ અમૃતિયાની ક્રાંતિ, રાજ્યનું સૌથી મોટું વન કવચ તૈયાર
આ સમગ્ર પ્રોજેકટનું સંચાલન સદ્દભાવના વૃદ્ધાશ્રમ સંભાળી રહ્યું છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.26
વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ, કવિ ઉમાશંકર જોશીની આ પંક્તિઓને સાકાર કરતી એક અનોખી હરિયાળી ક્રાંતિ મોરબીમાં સર્જાઈ છે. રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ મોરબીના પાદરમાં આવેલા મચ્છુ-2 ડેમના કાંઠે 1200 વીઘા જમીનમાં દસ લાખ વૃક્ષો વાવી ‘નમો વન’ નામે વિશાળ વન કવચ ઉભું કરવામાં આવ્યું છે. એક સમયનો વેરાન અને સૂકો વિસ્તાર આજે હરિયાળીથી છલકાઈ રહ્યો છે. વર્ષ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે આ વિશાળ વન કવચનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર આઠ મહિનાના ગાળામાં અહીં વાવવામાં આવેલા રોપાઓ હવે મોટા વૃક્ષોમાં પરિવર્તિત થઈ ગયા છે અને સમગ્ર વિસ્તારને પ્રકૃતિના નવજીવનથી આચ્છાદિત કરી દીધો છે.
કાંતિલાલ અમૃતિયા મોરબી પાંજરાપોળ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. ટ્રસ્ટ પાસે આશરે 4500 વીઘા જમીન છે. પર્યાવરણના સંરક્ષણ માટે કંઈક દાખલારૂપ કાર્ય કરવાની ભાવનાથી તેમણે ગુજરાતનું સૌથી મોટું વન કવચ ઉભું કરવાનો સંકલ્પ લીધો હતો. આ અભિયાન અંતર્ગત મચ્છુ ડેમ-2ના કિનારે આવેલી 1200 વીઘા પડતર જમીન પસંદ કરવામાં આવી. વૃક્ષારોપણ પહેલાં જમીનને સમથળ કરવામાં આવી, હજારો ટન ફળદ્રુપ માટી ઠાલવવામાં આવી, મોટા પ્રમાણમાં છાણિયું ખાતર નાખી જમીનની ગુણવત્તા સુધારવામાં આવી અને સમગ્ર વિસ્તારમાં રફ ફેન્સિંગ ઉભું કરવામાં આવ્યું. આ મહાયજ્ઞમાં સદભાવના વૃદ્ધાશ્રમને પણ જોડવામાં આવ્યું. એક મહિનામાં દસ લાખ રોપાઓ વાવવાનું લક્ષ્ય નક્કી કરાયું હતું અને તેના માટે વિશેષ આયોજન કરાયું હતું. એકસાથે આશરે 500 લોકો આ અભિયાનમાં જોડાયા હતા, જેમણે દરરોજ 25થી 30 હજાર વૃક્ષો વાવવાનું કાર્ય કર્યું હતું. સતત 37 દિવસ સુધી ચાલેલા અથાક પરિશ્રમ બાદ દસ લાખ વૃક્ષોનું વાવેતર સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
માત્ર વૃક્ષારોપણ પૂરતું જ નહીં, પરંતુ વૃક્ષોના જતન અને ઉછેર માટે પણ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નિયમિત પાણી અને ખાતર મળી રહે તે માટે આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરાઈ રહી છે, જ્યારે સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન સદભાવના વૃદ્ધાશ્રમ સંભાળી રહ્યું છે. આ હરિયાળા અભિયાનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિસ્તારને આઇકોનિક રોડ સાથે વિકસાવવા માટે ત્રણ કરોડ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ પણ ફાળવી છે. જેના કારણે આગામી સમયમાં આ વિસ્તાર પર્યાવરણ અને ઇકો-ટુરિઝમનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. મચ્છુ ડેમના કિનારે આવેલી સરકારી જમીન પણ આ પ્રકારના વિશાળ વૃક્ષારોપણ માટે ફાળવવામાં આવે તે માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે. ભવિષ્યમાં વધુ મોટા પાયે હરિયાળી અભિયાન હાથ ધરી સમગ્ર વિસ્તારને ગ્રીન ઝોન તરીકે વિકસાવવાનો તેમનો સંકલ્પ છે.
કાંતિલાલે કેન્સરને હરાવ્યુ, હવે શેષ જીવન પ્રકૃતિને સમર્પિત
- Advertisement -
64 વર્ષીય કાંતિલાલ અમૃતિયાને તાજેતરમાં જ કેન્સરનું નિદાન થતા સર્જરી કરાવી છે. સામાન્ય માણસ કેન્સરનાં નામથી હારી જાય પણ કાંતિલાલ એમાનાં નથી. પાંચ કિમોથેરાપી પુરી કરી હાલ ઇમ્યુનોથેરાપી લઇ રહેલા કાંતિલાલ અમૃતિયાએ લોકસંપર્ક ઘટાડ્યો નથી. તેમણે કહ્યું કે, આ કેન્સરથી બચાવી, કુદરતે મને બીજુ જીવન આપ્યું છે અને આ બીજુ જીવન પ્રકૃતિને સમર્પિત કરવા માંગુ છું. કેન્સરની સર્જરી પછી મને એવું લાગે છે કે કુદરતે મને બીજુ જીવન આપ્યું છે. હવે હું પ્રાકૃતિક ખેતી, અને વૃક્ષારોપણ અંગે જાગૃતિ ફેલાવવા માટે જીવન સમર્પિત કરવા માંગું છું. અમે સરકારને પત્ર લખીને મચ્છુ ડેમના કિનારે આવેલી નજીકની સરકારી જમીન ફાળવવાની માંગ કરી છે, જેથી ત્યાં પણ આ પ્રકારનું વિશાળ વૃક્ષારોપણ અભિયાન હાથ ધરી શકાય.



