મતદાતા યાદીના વિશેષ અને ગહન પુન:નિરીક્ષણ કાર્ય(Special Intensive Revision – SIR)ને લઈને સુપ્રીમ કોર્ટે આજે એક મોટો અને મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકારના ચૂંટણી પંચ (ECI) પાસે SIR પ્રક્રિયા હાથ ધરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર છે. કોર્ટે આ પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતાં ચૂંટણી પંચના પક્ષમાં ચુકાદો આપ્યો છે.
ચૂંટણી પંચની કામગીરી ‘અલ્ટ્રા વાયર્સ’ નથી: SC
- Advertisement -
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, એવું બિલકુલ ન કહી શકાય કે ચૂંટણી પંચે પોતાના કાનૂની અધિકારોની બહાર જઈને કામ કર્યું છે. આ પ્રક્રિયા ભલે સામાન્ય સુધારા પ્રક્રિયા કરતાં અલગ હોય, પરંતુ તેને ‘અલ્ટ્રા વાયર્સ’ (કાયદાની વિરુદ્ધ અથવા સત્તા બહારનું) ગણી શકાય નહીં.
CJI સૂર્યકાંતની બેન્ચે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર આપ્યો ચુકાદો
મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ત્રણ મુખ્ય પાસાઓ પર વિશ્લેષણ કર્યું હતું:
- Advertisement -
શું ચૂંટણી પંચ પાસે SIR જેવી વિશેષ કાર્યવાહી કરવાનો અધિકાર છે? (જેનો જવાબ કોર્ટે ‘હા’માં આપ્યો છે).
શું આ તપાસ કોઈ યોગ્ય હેતુ માટે કરવામાં આવી રહી છે અને તેના ઉપાયો યોગ્ય છે?
શું આ પ્રક્રિયા પીપલ્સ રિપ્રેઝન્ટેશન ઍક્ટ, 1950(જનપ્રતિનિધિત્વ અધિનિયમ)ના નિયમોનું ઉલ્લંઘન કરે છે?
સામાન્ય પ્રક્રિયાથી અલગ હોવા માત્રથી તે અમાન્ય નથી
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યારે કાયદો પોતે જ ચૂંટણી પંચને કોઈ ચોક્કસ કારણોસર અને યોગ્ય પદ્ધતિ દ્વારા વિશેષ સુધારો કરવાની મંજૂરી આપે છે, ત્યારે આ પ્રક્રિયાને માત્ર એટલા માટે અમાન્ય ઠેરવી શકાય નહીં કે તે નિયમિત સુધારાની સામાન્ય પ્રક્રિયા સાથે સંપૂર્ણ મેળ ખાતી નથી.




