કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિરની સામે, અક્ષર માર્ગના કોર્નર પર અસામાજિક તત્વોનો પથારો
રાજકોટના અતિ પોશ ગણાતા કાલાવડ રોડ પર શાંતિ અને સલામતીના ધજાગરા ઉડી રહ્યા છે. શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સામે આવેલા નકલંક ટી સ્ટોલ અને ડિલક્ષ પાન બહારની જગ્યા કાયદો-વ્યવસ્થાની ધરીયા ઉડાડતા અસામાજિક તત્વોનો મુખ્ય અડ્ડો બની ગયા છે. દિવસભર અહીં લુખ્ખા અને અવાવરૂ તત્વોનો જમાવડો શરૂ થઈ જાય છે. નો-પાર્કિંગ ઝોનમાં રોડ પર જ આડેધડ વાહનો ખડકી દઈને મોડી રાત સુધી સીન-સપાટા મારવા અને ગાળાગાળી કરવી અહી સામાન્ય બની ગયું છે. સૌથી ગંભીર બાબત એ છે કે, આ હોબાળાથી આસપાસની સોસાયટીના રહીશોનું જીવવું હરામ થઈ ગયું છે. રાત્રિના સમયે પરિવાર સાથે રહેતા શાંતિપ્રિય નાગરિકો માટે ઘરની બહાર નીકળવું પણ જોખમી બન્યું છે.
- Advertisement -
અસામાજિક તત્વોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે સ્થાનિક સોસાયટીના રહીશોએ પોતાની સુરક્ષા માટે મજબૂર બનીને સોસાયટીના મુખ્ય માર્ગો પર ગેટ મુકાવી આખો વિસ્તાર પેક કરી દેવો પડયો છે. સ્થાનિક રહીશોમાં ભયનો એવો માહોલ છે કે કેટલાક તત્વો પાસે તીક્ષ્ણ કે ગેરકાયદેસર હથિયારો હોવાની ગંભીર આશંકાઓ અને રાવ પણ ઉઠી રહી છે. કાલાવડ રોડ અંડરપાસ પાસે દરરોજ સાંજે સર્જાતી ટ્રાફિકની વિકંટ સમસ્યા પાછળ પણ આ ચા-પાનની દુકાનો બહાર અડિંગો જમાવીને ઉભા રહેતા લુખ્ખાઓ જ સીધા જવાબદાર છે.
: રોડ પર જ વાહનો પાર્ક કરી દેવાતા વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાય છે. પોલીસ પેટ્રોલિંગના મોટા-મોટા દાવાઓ વચ્ચે કાલાવડ રોડ પર સરેઆમ ચાલતી આ ગુંડાગીરી તંત્રની નિષ્ક્રિયતા સામે મોટા સવાલો ઉભા કરે છે. રહીશોની એક જ ઉગ્ર માંગ છે કે પોલીસ તંત્ર તાત્કાલિક ગાઢ નિંદ્રામાંથી જાગે અને ચા-પાનની દુકાનો બહાર ઉભા રહી માહોલ બગાડતા આવારા લુખ્ખાઓ સામે દાખલારૂપ આકરામાં આકરી કાર્યવાહી કરે.



