રોહિત અને વિરાટ કોહલી વચ્ચે રેટિંગ પોઇન્ટનું અંતર ઘટ્યું
અક્ષર પટેલ, અલ્ઝારી જોસેફ અને સેમ કરનને બોલિંગમાં ૧૦-૧૦ સ્થાનનો ફાયદો
- Advertisement -
જો રૂટની ૬ વર્ષ પછી ટોપ-૧૦માં વાપસી
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની વન-ડે રેન્કિંગમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ વિશ્વના નંબર-૧ બેટ્સમેન બનવાની અત્યંત નજીક પહોંચી ગયા છે. ગિલ હાલમાં ૮૦૧ રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલ ૮૦૨ રેટિંગ પોઈન્ટ સાથે ટોચના સ્થાને યથાવત છે. બંને વચ્ચે માત્ર એક જ પોઈન્ટનો તફાવત રહ્યો છે. લોર્ડ્સ વન-ડેમાં ૧૩૮ રનની શાનદાર ઈનિંગ રમનાર રોહિત શર્માએ વિરાટ કોહલી સાથે રેટિંગ પોઈન્ટનું અંતર ઘટાડી દીધું છે. હાલ વિરાટ કોહલી ત્રીજા અને રોહિત શર્મા ચોથા સ્થાને છે, જેમાં બંને વચ્ચે માત્ર ૯ રેટિંગ પોઈન્ટનો તફાવત છે.
બીજી તરફ, ભારત સામેની સિરીઝમાં ૭૬, ૯૯ અને ૭૪ રનની અણનમ ઈનિંગ્સ રમનાર ઈંગ્લેન્ડના જો રૂટને ચાર સ્થાનનો ફાયદો થયો છે. તે આઠમા ક્રમે પહોંચી ગયો છે અને વર્ષ ૨૦૨૦ પછી પહેલીવાર વન-ડે બેટિંગ રેન્કિંગના ટોપ ૧૦માં સામેલ થયો છે. આ સિવાય લોર્ડ્સ વન-ડેમાં ૧૪૧ રન બનાવનાર બેન ડકેટે ૧૧ સ્થાનની છલાંગ લગાવીને સંયુક્ત રીતે ૧૯મું સ્થાન મેળવ્યું છે. વન-ડે બોલરોની રેન્કિંગમાં ભારતના અક્ષર પટેલ, વેસ્ટ ઈન્ડીઝના અલ્ઝારી જોસેફ અને ઈંગ્લેન્ડના સેમ કરનને ૧૦-૧૦ સ્થાનનો મોટો સુધારો થયો છે. અક્ષર પટેલ ૩૨મા, અલ્ઝારી જોસેફ ૨૬મા અને સેમ કરન ૭૦મા સ્થાને પહોંચી ગયા છે. આ સિવાય ન્યૂઝીલેન્ડનો મિચેલ સેન્ટનર ચોથા સ્થાને અને વેસ્યુ ઈન્ડીઝનો ગુડાકેશ મોતી સંયુક્ત રીતે ૯મા સ્થાને પહોંચ્યો છે.ICC T201 રેન્કિંગની વાત કરીએ તો, બાંગ્લાદેશનો તન્ઝીંદ હસન પોતાની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ૨૦મા સ્થાને પહોંચ્યો છે. ઝિમ્બાબ્વેનો ઓલરાઉન્ડર બ્રાયન બેનેટ ૯મા સ્થાને અને ઝડપી બોલર રિચાર્ડ નગરવા ૩૭ સ્થાનની મોટી છલાંગ લગાવીને કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ૩૨મી રેન્કિંગ મેળવવામાં સફળ રહ્યો છે.




