ગૃહને ચાલવા દો : લોકોસભા સ્પીકર
અમારી વાત પણ સાંભળો : વિપક્ષ
સંસદમાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી મંગળવારે હોબાળા વચ્ચે શરૂ થઈ. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તમામ પક્ષોને ગૃહ ચાલવા દેવાની અપીલ કરી. તેમણે કહ્યું- સંસદ ચાલવા દો. અહીં ચર્ચા અને વાતચીત થવી જોઈએ, જેથી દેશમાં સકારાત્મક સંદેશ જાય. હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.
- Advertisement -
લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે પેપર લીક સંબંધિત સુધારા બિલ પર ચર્ચા માટે બપોરે ૨ વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. બિરલાએ વિપક્ષને નિર્ધારિત સમયે ચર્ચામાં ભાગ લેવા અપીલ કરતા કહ્યું કે ગૃહને ચાલવા દો. હોબાળો ન કરો. બપોરે ૨ વાગ્યે લોકસભામાં પેપર લીક સંબંધિત ‘પબ્લિક એક્ઝામિનેશન સંશોધન બિલ, ૨૦૨૬’ પર ચર્ચા થશે. સ્પીકરે આ ચર્ચા માટે ૬ કલાકનો સમય નક્કી કર્યો છે, જેને જરૂર પડયે વધારી પણ શકાય છે. ચર્ચામાં ગઉઅના ઘણા યુવા સાંસદો ભાગ લેશે. તેમાં ભાજપના બંસુરી સ્વરાજ અને તેજસ્વી સૂર્યાનો સમાવેશ થાય છે. INDIA બ્લોકના સૂત્રો અનુસાર, કોંગ્રેસ તરફથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કેસી વેણુગોપાલ અને ગૌરવ ગોગોઈ ચર્ચામાં ભાગ લેશે.
આ પહેલા મંગળવારે સવારે ૯:૩૦ વાગ્યે સંસદ ભવનના જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં NDA સંસદીય દળની સાપ્તાહિક ‘મંગલ મિલન’ બેઠક યોજાઈ હતી. જેમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત ગઉઅના અનેક વરિષ્ઠ નેતાઓ અને સાંસદોએ ભાગ લીધો હતો. પ્રથમ વખત નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI)ને પણ બેઠકમાં આમંત્રિત કરવામાં આવી હતી.
TMCથી અલગ થઈને NCPIમાં જોડાયેલા સાંસદ સુદીપ બંદોપાધ્યાય, કાકોલી ઘોષ, શતાબ્દી રોય, શર્મિલા સરકાર અને મિતાલી બાગ સહિત અન્ય નેતાઓ બેઠકમાં પહોંચ્યા હતા. બેઠકમાં ચોમાસુ સત્ર દરમિયાન સરકારની રણનીતિ, પરીક્ષા સુધારણા અને અન્ય મહત્વપૂર્ણ રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સોમવારે પેપર લીકની રોકથામ સંબંધિત બિલ રજૂ કરવામાં આવ્યું. આ બિલનું નામ પબ્લિક એક્ઝામિનેશન (અયોગ્ય સાધનોની રોકથામ સુધારા બિલ, ૨૦૨૬’ છે. આ બિલ દ્વારા ૨૦૨૪માં બનેલા કાયદામાં ફેરફાર કરવામાં આવશે. આરોપીઓ વિરુદ્ધ કડક સજા અને ભારે દંડની જોગવાઈ હશે. રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી શકશે. આ અદાલતોમાં રોજ સુનાવણી થશે.




