ચેરમેનના બાંધકામપ્રેમના કારણે શિક્ષણની ઘોર ખોદાઇ ગઇ
સ્થાનિક ભાજપનું નેતૃત્વ ભરઊંઘમાં, બધાંને માલમાં જ રસ છે
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ત્રણ અંગ્રેજી માધ્યમની શાળાઓ હાલ અત્યંત કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહી છે અને એક પ્રકારે મરણપથારીએ આવીને ઊભી રહી છે.
અત્યાર સુધી શહેરની એક નામાંકિત એજ્યુકેશન સંસ્થા દ્વારા આ શાળાઓનું સફળ સંચાલન કરવામાં આવી રહ્યું હતું. પરંતુ કોઈ અગમ્ય કારણોસર આ સંસ્થાએ હવે આ શાળાઓના સંચાલનનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. આ વળાંકને કારણે ચાલું શૈક્ષણિક સત્રથી જ આ શાળાઓમાં નવા એડમિશન આપવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક મધ્યમ વર્ગના વાલીઓમાં ભારે ચિંતા અને રોષ વ્યાપી ગયો છે.
આ ત્રણેય અંગ્રેજી માધ્યમની શાળાઓમાં મધ્યમ અને સામાન્ય વર્ગના ૫૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ખાનગી શાળાઓની મોંઘીદાટ ફી ન ભરી શકતા વાલીઓ માટે આ સરકારી અંગ્રેજી માધ્યમ શાળાઓ એક મોટો આશરો હતી પરંતુ સંચાલક સંસ્થાના પીછેહઠ કરવાના નિર્ણયથી અને શિક્ષણ સમિતિની લાપરવાહીને કારણે આ ૫૦૦થી વધુ બાળકોનું ભાવિ હવે અધવચ્ચે લટકી ગયું છે. નવા પ્રવેશ બંધ થતાં આ શાળાઓ ધીમે ધીમે બંધ થઈ જવાના આરે પહોંચી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં શિક્ષણ સમિતિના નવા ચેરમેનની ચૂંટણી માટેની પ્રક્રિયા પુરજોશમાં હાથ ધરવામાં આવનાર છે. નવા ચેરમેન જેવા જ હોદ્દો સંભાળશે કે તુરંત જ તેમની સામે આ વિકટ પ્રશ્ન આવીને ઊભો રહેશે. વર્તમાન ચેરમેન વિક્રમ પુજારાના શાસનકાળની વાત કરીએ તો તેમના આખા કાર્યકાળ દરમિયાન માત્ર શાળાઓના બાંધકામ અને રિનોવેશન સિવાય શિક્ષણના ગુણવત્તાસભર વિષયો કે શૈક્ષણિક પ્રશ્નોમાં તેમણે ખાસ કોઈ ન્ રસ લીધો ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સમિતિ માત્ર ભૌતિક સુવિધાઓ અને બાંધકામમાં જ પરોવાયેલી રહી અને શૈક્ષણિક માળખું કથળતું ગયું. આવી સ્થિતિમાં હવે જે પણ નવા ચેરમેન આવશે તેમના માટે ચાર્જ લેતાની સાથે જ આ અંગ્રેજી માધ્યમની શાળાઓને પુનઃજીવિત કરવી એ એક બહુ મોટી અગ્નિપરીક્ષા સાબિત થશે.
- Advertisement -
સરકારી શાળાના બાળકોના વાલીઓ પણ હવે એકજૂથ થઈને વિરોધનો સૂર ઉચ્ચારવાના મૂડમાં છે. વાલીઓનું કહેવું છે કે, જો ટૂંક સમયમાં શિક્ષણ સમિતિ કે સ્થાનિક ભાજપ નેતૃત્વ દ્વારા આ શાળાઓના યોગ્ય સંચાલન માટે કોઈ કાયમી ઉકેલ શોધવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ સમિતિના નવનિયુક્ત થનારા ચેરમેન અને ભાજપ પ્રમુખ માધવ દવે આ ૫૦૦ બાળકોના ભવિષ્યને બચાવવા માટે કોઈ નક્કર પગલાં ભરે છે કે પછી રાજકીય ઉદાસીનતા અને અંગત સ્વાર્થને કારણે આ મોડેલ અંગ્રેજી શાળાઓ કાયમ માટે બંધ થઈ જશે!
નબળા ભાજપ શહેર પ્રમુખ માધવ દવેની ભૂમિકા સામે સવાલો
વર્તમાન શહેર ભાજપ પ્રમુખ માધવ દવે પોતે શિક્ષણ સમિતિની બોર્ડ મીટિંગોમાં સક્રિયપણે ભાગ લેતા રહ્યા છે પરંતુ વાલીઓ અને જાગૃત નાગરિકોમાં એવી ચર્ચા જોર પકડી રહી છે કે, માધવ દવે પણ માત્ર બાંધકામ લગતા પ્રશ્નો અને ટેન્ડરોમાં જ વધુ રુચિ દાખવીને સૂચનાઓ આપતા નજરે પડ્યા છે. શિક્ષણના મૂળભૂત પ્રશ્નો, બાળકોના ભવિષ્ય કે અંગ્રેજી માધ્યમની શાળાઓના સંચાલન જેવા ગંભીર મુદ્દાઓ પર તેમનું કોઈ વિશેષ ધ્યાન રહ્યું નથી. શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને લોકમુખે હવે એવી તીખી ચર્ચા શરૂ થઈ છે કે, શું શહેર ભાજપ પ્રમુખ માધવ દવે પાસે આ ૫૦૦થી વધુ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કોઈ યોગ્ય કે ઉમદા નિર્ણય લેવાની વિચાર ક્ષમતા નથી? શું શાસક પક્ષ માટે માત્ર ઈમારતોનું બાંધકામ જ મહત્વનું છે, તેમાં ભણતા બાળકોનું ભવિષ્ય નહીં?




