રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનું નવું સંશોધન
2 અઠવાડિયાના પ્રયોગ બાદ ગુસ્સામાં 36% અને જીદ્દી વલણમાં 25%નો નોંધપાત્ર ઘટાડો: દવા વગર માનસિક શાંતિ મેળવવાની ભારતીય પરંપરાને વૈજ્ઞાનિક સ્વીકૃતિ
- Advertisement -
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિની બંસી ડી. ગડારાએ 135 યુવતી પર અભ્યાસ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજના હાઈ-ટેક અને સ્પર્ધાત્મક યુગમાં શૈક્ષણિક ભારણ અને સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ યુવતીઓમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વકરી રહી છે. ખાસ કરીને યુવતીઓમાં જોવા મળતું જીદ્દીવલણ, આક્રમકતા અને ઘટતું જતું આત્મસન્માન ચિંતાનો વિષય છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક વિશેષ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સાબિત થયું છે કે ’યોગનિદ્રા’ એ માનસિક વિકારોને દૂર કરવા માટે એક શક્તિશાળી ’ડ્રગ-લેસ’ થેરાપી છે.
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. ધારા આર. દોશીના માર્ગદર્શન હેઠળ સંશોધક વિદ્યાર્થીની બંસી ડી. ગડારા દ્વારા 135 યુવતીઓ પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધનમાં પ્રિ-ટેસ્ટ અને પોસ્ટ-ટેસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરી, યુવતીઓની માનસિક સ્થિતિ માપ્યા બાદ તેમને સતત 2 અઠવાડિયા સુધી યોગનિદ્રાનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. જેના પરિણામો અત્યંત હકારાત્મક જોવા મળ્યા છે.
યોગનિદ્રાના પ્રયોગ બાદ યુવતીઓના વર્તનમાં નોંધપાત્ર ફેરફાર નોંધાયા છે. જેમાં આક્રમકતા અને ગુસ્સામાં 36% જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે જીદ અને જડતામાં 25.20% ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, યુવતીઓના આત્મવિશ્વાસ અને પોતાની જાત પ્રત્યેના આદરમાં 32% નો વધારો થયો છે અને રોજિંદા જીવનના ચીડિયાપણામાં 18% નો ઘટાડો નોંધાયો છે. યોગનિદ્રાના અનેક ફાયદાઓ આ સંશોધનમાં સામે આવ્યા છે. તે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન (કોર્ટિસોલ) ઘટાડીને હેપ્પી હોર્મોન્સમાં વધારો કરે છે, જે ખાસ કરીને પીરિયડ્સ દરમિયાન થતી માનસિક અસ્થિરતામાં આશીર્વાદરૂપ બને છે. 20 મિનિટની યોગનિદ્રા કલાકોની ઊંઘ જેટલો આરામ આપે છે, જેનાથી એકાગ્રતા અને યાદશક્તિમાં સુધારો થાય છે.
યોગનિદ્રા માટે શાંત વાતાવરણમાં શવાસનમાં સૂઈને મનમાં એક હકારાત્મક સંકલ્પ કરવાનો હોય છે. ત્યારબાદ શરીરના અંગો પર ધ્યાન કેન્દ્રિત કરી તેને શિથિલ કરવાના હોય છે. શ્વાસની જાગૃતિ અને શાંત દૃશ્યોના નિરૂપણ દ્વારા અર્ધજાગૃત મનને શાંત કરી શકાય છે. નિષ્ણાતોના મતે, સવારે વહેલા અથવા રાત્રે સૂતા પહેલા કોઈ ગાઈડેડ ઓડિયોની મદદથી આનો અભ્યાસ કરવો વધુ અસરકારક રહે છે.
- Advertisement -
નિષ્ણાતોનું શું કહેવું છે?
પ્રોફેસર યોગેશ જોગસણના મતે, આ થેરાપી સબકોન્સિયસ માઈન્ડ (અર્ધજાગૃત મન) પર કામ કરે છે, જે યુવાનોમાં ભાવનાત્મક સ્થિરતા લાવે છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આને સ્થાન આપવું જોઈએ.ડો. ધારા આર. દોશી જણાવે છે કે, “યોગનિદ્રા એ માત્ર ઊંઘ નથી, પણ જાગૃત અવસ્થામાં મનને ઊંડો આરામ આપવાની પ્રક્રિયા છે. આ પ્રયોગ સાબિત કરે છે કે ભારતીય જ્ઞાન પરંપરા આધુનિક માનસિક સમસ્યાઓ માટે ‘ડ્રગ-લેસ’ (દવા વગરની) શ્રેષ્ઠ ચિકિત્સા છે.”
યોગનિદ્રાના ફાયદા
કુદરતી ઉપચાર: એન્ઝાયટી અને ડિપ્રેશનની દવાઓ વગર મુક્તિ
હોર્મોનલ બેલેન્સ: કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન) ઘટાડીને હેપ્પી હોર્મોન્સ વધારે છે.
યાદશક્તિમાં વધારો: 20 મિનિટની યોગનિદ્રા કલાકોની ઊંઘ જેટલો આરામ અને એકાગ્રતા આપે છે
સોશિયલ મીડિયા ડિટોક્સ: આંતરિક શક્તિ ઓળખવામાં મદદ કરે છે, જેથી લઘુતાગ્રંથિ દૂર થાય છે.



