રાજ્યમાં પારો 2થી 3 ડિગ્રી વધી શકે, અમદાવાદ, ગાંધીનગર સહિત 6 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર: મતદાનના દિવસે તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી શકે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં આવતીકાલથી ત્રણ દિવસ આગઝરતી ગરમીની આગાહી કરવામાં આવી છે. 24 તારીખથી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે 26 એપ્રિલે મતદાનના દિવસે પણ રાજ્યમાં મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર, આજથી 28 એપ્રિલ દરમિયાન ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, 24, 25 અને 26 એપ્રિલ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. ત્યારબાદ ફરીથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. એટલે કે આ અઠવાડિયાના અંતમાં મહતમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચવાનું પૂર્વાનુમાન હવામાન વિભાગનું છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 અને 25 એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ અને ઊંચા તાપમાનને કારણે સામાન્ય કરતાં વધુ અકળામણ અનુભવાશે. અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સાફ રહેશે અને મહત્તમ તાપમાન 41થી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
આગામી 26 એપ્રિલ એટલે કે ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 37થી 38 ડિગ્રી રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15 થી 20 નોટ રહેવાની પણ આગાહી છે.
રાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયા બાદ રાજકોટ સૌથી ગરમ શહેર રહેતું આવ્યું છે. જો કે, ગઈકાલે 22 એપ્રિલે 40.8 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ સિટી રહ્યું હતું. જ્યારે રાજકોટમાં 40.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી, જ્યારે વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવું
ગુજરાત રાજ્યમાં સતત વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ મોઢે રૂમાલ, દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે બપોરે કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.



