17 માર્ચના રોજ મુદત પૂર્ણ થતા રાજ્ય સરકારનો નિર્ણય: નવી બોડીની રચના સુધી વહીવટી પ્રક્રિયા ચાલું રહેશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
- Advertisement -
ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતા વહીવટદારોની નિમણૂક કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પંચાયત અધિનિયમ-1993 હેઠળ પંચાયતોની મુદત પૂર્ણ થયા બાદ નવી ચૂંટણીઓ યોજાઈને નવી બોડીની પ્રથમ બેઠક મળે ત્યાં સુધી વહીવટી ગતિરોધ ન સર્જાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતોની મુદત આજે એટલે કે 17 માર્ચ 2026 ના રોજ પૂર્ણ થઈ રહી છે.
રાજ્ય સરકારના આદેશ અનુસાર, મોરબી જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે મોરબી કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતોમાં સંબંધિત પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન વહીવટદારો દૈનિક વહીવટી કામકાજ અને ચાલુ વિકાસ કામોની દેખરેખ રાખશે, પરંતુ કોઈ નવા નીતિવિષયક નિર્ણયો લઈ શકશે નહીં. આ વ્યવસ્થાથી પંચાયત સ્તરે જનતાના કામો અટકે નહીં તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં વહીવટદારોની નિમણૂકની વિગત
પંચાયતનું નામ વહીવટદારનો હોદ્દો
મોરબી જિલ્લા પંચાયત કલેક્ટર, મોરબી
મોરબી તાલુકા પંચાયત પ્રાંત અધિકારી, મોરબી
માળિયા તાલુકા પંચાયત પ્રાંત અધિકારી, હળવદ
ટંકારા તાલુકા પંચાયત પ્રાંત અધિકારી, મોરબી
વાંકાનેર તાલુકા પંચાયત પ્રાંત અધિકારી, વાંકાનેર
હળવદ તાલુકા પંચાયત પ્રાંત અધિકારી, હળવદ



