ભારે વોલેટિલિટી તથા વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે દેશની ઈક્વિટી માર્કેટમાં વર્તમાન વર્ષના પ્રથમ અઢી મહિનામાં જ મોટું કરેકશન આવ્યું છે જેને પગલે ઈક્વિટી માર્કેટ કેપમાં અત્યારસુધીમાં ૫૩૩ અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો છે જે છેલ્લા પંદર વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. આ અગાઉ ૨૦૧૧ના સંપૂર્ણ વર્ષમાં ભારતીય ઈક્વિટીસના મૂલ્યમાં ૬૨૫ અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો.
વર્તમાન વર્ષના પ્રથમ અઢી મહિનામાં ભારતની ઈક્વિટીસની માર્કેટ કેપમાં આવેલો ઘટાડો પોલેન્ડ, વિયેતનામ, ફિનલેન્ડ, નોર્વે, મલેશિયા જેવી બજારોની સંપૂર્ણ માર્કેટ કેપ કરતા પણ વધુ હોવાનું એક રિસર્ચ પેઢીના અહેવાલમાં જણાવાયું હતું.
- Advertisement -
ભારતમાં લિસ્ટેડ દરેક કંપનીઓની એકંદર માર્કેટ કેપ હાલમાં ૪.૭૭ ટ્રિલિયન ડોલરથી નીચે પહોંચી ગઈ છે જે વર્ષના પ્રારંભમાં ૫.૩૦ ટ્રિલિયન ડોલર રહી હતી. બીએસઈ પર લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ રૂપિયાની દ્રષ્ટિએ હાલમાં ૪૨૯ લાખ કરોડ પર આવી ગઈ છે.
અમેરિકા દ્વારા ટેરિફ લાગુ કરવાના નિર્ણય ઉપરાંત ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ભારતીય ઈક્વિટીસના મૂલ્યમાં જંગી ધોવાણ થઈ રહ્યું છે. આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને લગતી ખલેલે પણ ઈનફમેશન ટેકનોલોજી (આઈટી) શેરોના મૂલ્યને મોટો ફટકો માર્યો છે.
વિવિધ નકારાત્મક પરિબળોને પરિણામે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય બજારમાંથી પીછેહઠ કરી રહ્યા છે.
- Advertisement -
ઈરાન યુદ્ધને કારણે દેશની લિસ્ટેડ કંપનીઓના અર્નિંગ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળવાની ચિંતા ઊભી થઈ છે. ૨૦૨૬માં અત્યારસુધીમાં બેન્ચમાર્કે ઈક્વિટી ઈન્ડાઈસિસમાં ૧૦ ટકા જેટલો ઘટાડો થયો છે.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો કંપનીઓની આવકમાં ઘટાડા તરફી જોખમ રહેલું છે. ક્રુડ તેલ તથા ગેસના ઊંચા ભાવ અર્થતંત્ર તથા બજારો પર વધુ દબાણ લાવશે એવી પણ ચિંતા પ્રવર્તી રહી છે.
યુદ્ધ થોડાક સપ્તાહો કરતા વધુ લાંબો સમય ચાલશે તો કંપનીઓની આવક સામે જોખમ ઊભા થવાની શકયતા રહેલી છે.
મધ્ય પૂર્વમાં સંઘર્ષની સ્થિતિ રોેકાણકારોના માનસ પર આ અગાઉ જ અસર કરવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને વિદેશી રોકાણકારોનું માનસ ખરડાયું છે.
બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ યુદ્ધ ફાટી નીકળ્યા બાદના પ્રથમ સત્રમાં જ ડોલરના સ્વરૂપમાં તૂટીને પાંચ ટ્રિલિયન ડોલરની અંદર સરકીને ૪.૯૯ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી.




