ગીરની દંતકથારૂપ સિંહ બેલડી ‘જય-વીરુ’ને અનોખી શ્રદ્ધાંજલિ
ગીરના ગૌરવ સમાન સિંહજોડીના વારસાને જીવંત રાખવાનો પ્રયાસ
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
ગીરના જંગલમાં પોતાની નીડરતા, ભવ્યતા અને અતૂટ સાથ માટે જાણીતી દંતકથારૂપ સિંહ બેલડી ‘જય-વીરુ’ને અનોખી અને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ અને જાણીતા સિંહપ્રેમી પરિમલ નથવાણીએ સાસણ ગીર સ્થિત સિંહસદન અને દેવાળીયા સફારી પાર્ક ખાતે ‘જય-વીરુ’ને દર્શાવતા બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે વન સંરક્ષક (વાઇલ્ડલાઇફ સર્કલ, જૂનાગઢ) રામ રતન નાલા સહિત વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનાવરણ કરાયેલું બેકલાઇટ બોર્ડ ગીરની આ લોકપ્રિય સિંહજોડીના અવિસ્મરણીય વારસાને સન્માન આપવા અને ભાવિ પેઢી સુધી તેમની યાદ જળવાઈ રહે તે હેતુથી સ્થાપિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે ગીરની મુલાકાતે આવતા દરેક પ્રવાસી અને વન્યજીવનપ્રેમી ‘જય-વીરુ’ના અદ્ભુત વારસાથી પરિચિત થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, આ બંને સિંહો ગીરના ઇતિહાસની સૌથી નીડર, ભવ્ય અને અવિભાજ્ય સિંહ બેલડીઓમાં સ્થાન ધરાવતા હતા અને ગીરનું સાચું ગૌરવ હતા. આ સ્મૃતિચિહ્ન દ્વારા તેમની યાદને ચિરંજીવ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિમલ નથવાણીએ જણાવ્યું કે ‘જય’ અને ‘વીરુ’ના નામકરણની પ્રક્રિયામાં તેઓ વન વિભાગના અધિકારીઓ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. તેથી આ શ્રદ્ધાંજલિ તેમના માટે માત્ર ઔપચારિક કાર્યક્રમ નહીં પરંતુ લાગણીસભર સ્મરણ સમાન છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પોતાના વિસ્તારના રક્ષણ માટે અન્ય સિંહો સાથે થયેલી અથડામણ બાદ ‘જય’ અને ‘વીરુ’નું દુઃખદ અવસાન થયું હતું. 7 ઓગસ્ટ, 2025ના રોજ બંનેના અવસાન બાદ પરિમલ નથવાણીએ ‘જય-વીરુની જોડી’ નામનું લોકશૈલીનું ભાવસભર ગાયન અને ‘જય-વીરુની અમર ગાથા’ નામની દસ્તાવેજી રજૂ કરી હતી. આ બંને કૃતિઓમાં સિંહજોડીના અતૂટ બંધન, પરસ્પર સમર્પણ અને ગીરના જંગલમાં સર્જાયેલા તેમના અમિટ વારસાને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો હતો. બોલિવૂડની યાદગાર ફિલ્મ ‘શોલે’ના પાત્રોની જેમ લોકપ્રિય બનેલી આ સિંહ બેલડી વાસ્તવિક જીવનમાં પણ ગીરના વન્યજીવનપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહી હતી. અનુભવી ટ્રેકર્સ અને પ્રકૃતિપ્રેમીઓ આજે પણ તેમના અનેક સાહસો અને શિકારની કથાઓ યાદ કરે છે. ક્યારેક નાના-મોટા સંઘર્ષો છતાં બંને વચ્ચેનો સાથ અતૂટ રહ્યો હતો. ‘જય-વીરુ’એ માલણકા, કેનેડીપુર, નતાડિયા, ઇટાડી અને લિમદ્રા સહિતના વિસ્તારોમાં લાંબા સમય સુધી પોતાનું પ્રભુત્વ જાળવી ગીરના ઇતિહાસમાં આગવું સ્થાન મેળવ્યું હતું. બેકલાઇટ બોર્ડના અનાવરણ સાથે ગીરના આ દંતકથારૂપ સિંહ બેલડીને અપાયેલી આ શ્રદ્ધાંજલિ માત્ર સ્મારક પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગીરના સમૃદ્ધ વન્યજીવન વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો પણ એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.




