ઠપકો આપવા ગયેલા કાકાને ” તમારે જે કાઇ કરવુ હોય તે કરી લો ” કહી બોલાચાલી કરી
અમાનુષી અત્યાચાર ગુજારનાર સામે ભારે ફિટકાર : પ્રનગર પોલીસમાં નોંધાવી ફરિયાદ
- Advertisement -
રાજકોટના રેલનગરમાં આવેલ શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં ફક્ત સાડા ચાર વર્ષના માસુમ બાળક પર શિક્ષિકાએ આચરેલી ક્રૂરતા પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે ટ્યુશનમાં ગયેલો માસુમ બાળક લખતો ન હોય શિક્ષિકાએ ક્રૂરતાપૂર્વક બાળકને તાવીથો ગરમ કરી સાથળના ભાગે ડામ દેતા અરેરાટી વ્યાપી ગઈ છે બાળક સાથે બર્બરતા આચરવા અંગેનું કારણ પૂછવા ગયેલા કાકા સાથે પણ શિક્ષિકાએ બોલાચાલી કરતા સમગ્ર મામલે પ્ર.નગર પોલીસે શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે રાજકોટમાં રેલનગરમાં આવેલ શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીપ ફ્લેટ નં.સી-508 માં રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા 36 વર્ષીય યુવાન વિશાલભાઇ હરેશભાઈ યાદવે આ જ ટાઉનશીપમાં આવેલ ઈ-408 નંબરના ફ્લેટમાં રહેતા શિક્ષિકા નિરાલીબેન અશ્વિનભાઇ સામે પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તે રીક્ષા લઇ ઘરે પહોંચ્યો હતો. દરમીયાન આશરે આઠ વાગ્યે ભાભી ગાયત્રીબેન ધર્મેશભાઇ યાદવએ વાત કરેલ કે, મારો દીકરો કશ્યપ 4 વર્ષ 6 માસ આપણા ઘર નજીક રહેતા નીરાલીબેનના ઘરે ટ્યુસનમા ગયો હતો. જયાં શિક્ષિકા નીરાલીબેને તેને ડાબા પગના સાથળ ઉપર તાવીથો ગરમ કરી ડામ દીધેલ છે. જેથી આ બાબતે નીરાલીબેનના ઘરે ઠપકો આપવા ગયેલ હતો. નીરાલીબેનને પુછેલ કે, આ નાના દીકરાને કેમ ડામ આપેલ છે? જે સાંભળી નિરાલીબેન એકદમ ઉશ્કેરાય ગયેલ અને કહેલ કે, છોકરો લખતો ન હતો જેથી આવુ કરેલ છે, તેમ છતા તમારે જે કાઇ કરવુ હોય તે કરી લો તેમ કહી જેમ ફાવે તેમ બોલવા લાગેલ હતા શિક્ષિકા નીરાલીબેને ચાર વર્ષના માસુમ બાળકને તાવીથા વડે ડામ આપતાં કાકા સહિતના પરિવારજનોએ બાળકને સારવાર અર્થે ખસેડ્યો હતો. બીજી બાજુ સમગ્ર મામલે પ્ર.નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ ગજેરા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે માસુમ બાળકને દામ દઈ આચરવામાં આવેલા અત્યાચારના ઘેરા પડઘા પડ્યા છે.




