મામુલી વરસાદમાં જ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલીઃ તમામ મુખ્ય રસ્તા નદીમાં ફેરવાયા, વાહનચાલકોને હાલાંકી
ગઈકાલે રાત્રે ધોધમાર બાદ આજે સવારે પણ ધીમીધારે વરસાદ વરસ્યો
- Advertisement -
રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રે હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં જ શહેરમાં ધબધબાટી બોલાવતા એક ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. મોડી રાતથી શરૂ થયેલો આ વરસાદ આજે સવારે પણ ધીમીધારે ચાલુ રહ્યો હતો. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ પડેલા આ વરસાદને કારણે સમગ્ર રાજકોટના વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી, જેથી રાજકોટિયન્સે ગરમીથી મોટી રાહત અનુભવી હતી.મેઘરાજાના આગમનથી પ્રકૃતિમાં ભલે આનંદ છવાયો હોય, પરંતુ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. માત્ર એક જ ઈંચ વરસાદમાં શહેરના તમામ મુખ્ય રાજમાર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા. વાહનચાલકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવાની નોબત આવી હતી.આ ઉપરાંત, રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા અન્ડરબ્રિજમાં પણ વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે વહીવટી તંત્ર દ્વારા વાહનવ્યવહાર માટે અન્ડરબ્રિજ બંધ કરવાની કે ડાયવર્ઝન આપવાની ફરજ પડી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્ડરબ્રિજમાં પાણી ભરાવાની જૂની સમસ્યા યથાવત રહેતા તંત્રના દાવાઓ પોકળ સાબિત થયા છે.માત્ર બે દિવસના સામાન્ય વરસાદે જ શહેરના માળખાકીય સુવિધાઓના ધજાગરા ઉડાવી દીધા છે. રાજકોટના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે. રસ્તાઓ બિસ્માર બનવાને કારણે અકસ્માતનો ભય સત્ય વધ્યો છે.અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી સ્થાનિક લોકોમાં મહાનગરપાલિકા અને સ્થાનિક તંત્ર સામે ભારે આક્રોશ અને નારાજગી જોવા મળી રહી છે.




