મંત્રી વીડિયો કોન્ફરન્સ થકી બચાવ-રાહત કામગીરીની પૂર્વ તૈયારીઓ, ઉપલબ્ધ સંસાધનોની વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન, સૂચના આપ્યા
જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૨૮.૪૫ મી.મી., સિઝનનો ૧૭.૩૩ ટકા વરસાદ
- Advertisement -
ભાદર-૨ ડેમ ૭૬ ટકા, વેણુ-૨ ડેમ ૭૬.૪૩, આજી-૨ ડેમ ૭૩ ટકા જેટલો ભરાયો
રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ શ્રમ, કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં, રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્રની વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સમીક્ષા યોજી હતી. તેમણે વીડિયો કોન્ફરન્સ થકી જિલ્લામાં બચાવ-રાહત કામગીરીની પૂર્વ તૈયારીઓ અને સંસાધનોની વિગતવાર માહિતી મેળવતા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા હતા.
આ તકે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે મંત્રી જિલ્લામાં વરસાદની સ્થિતિ તેમજ તંત્રની તૈયારીઓથી અવગત કરાવ્યા હતા. તેમણે જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદની સ્થિતિ, જળાશયોમાં પાણીની આવક, સંભવિત અસરગ્રસ્ત નીચાણવાળા ગામોની યાદી તેમજ આપત્તિના સમયે બચાવ અને રાહત કામગીરી માટે તૈયાર રખાયેલા સંસાધનોની વિગતવાર માહિતી આપી હતી. જિલ્લામાં ભારે વરસાદ કે પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું બેઠકમાં જણાવાયું હતું.બેઠકમાં રજૂ થયેલી વિગતો અનુસાર, રાજકોટ જિલ્લામાં આજની સ્થિતિએ છેલ્લા ૩૦ વર્ષની વરસાદની સરેરાશ ૭૪૧ મી.મી. સામે આજદિન સુધી સરેરાશ ૧૨૮.૪૫ મી.મી. વરસાદ નોંધાયો છે, જે કુલ વરસાદના ૧૭.૩૩ ટકા છે. પડધરી તાલુકામાં ૬.૨૮ ટકા, રાજકોટમાં ૧૩.૧૫ ટકા, લોધિકામાં ૨૦.૬૮ ટકા, કોટડા સાંગાણીમાં ૧૬.૦૮ ટકા, જસદણમાં ૨.૨૫ ટકા, ગોંડલમાં ૨૫.૫ ટકા, જામકંડોરણામાં ૧૫.૫૧ ટકા, ઉપલેટામાં ૨૦.૫૯ ટકા, ધોરાજીમાં ૩૨.૫૭ ટકા, જેતપુરમાં ૨૦.૩૯ ટકા અને વિંછીયામાં ૬.૦૮ ટકા વરસાદ નોંધાયો છે.
જિલ્લાના મુખ્ય ડેમોની જળ સપાટીની વિગતો અંગે જણાવાયું હતું કે, ભાદર ડેમમાં ૧૪.૩૬ ટકા, ભાદર-૨માં ૭૬.૦૦ ટકા, આજી-૩માં ૧૫.૫૫ ટકા, મોજ ડેમમાં ૩૭.૯૩ ટકા, વેણુ-૨માં ૭૬.૪૩ ટકા અને આજી-૧ ડેમમાં ૪૭.૪૭ ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે. રાજકોટ જિલ્લાની કુલ ૫૬ નાની સિંચાઈ યોજનાઓ પૈકી ૨૨ નાની સિંચાઈ યોજનાઓમાં કેનાલ કાર્યરત છે. જિલ્લાના તમામ ડેમોમાં પ્રી-મોનસુન કામગીરી જેવી કે નદીઓની સાફ-સફાઈ, ડેમ સેફ્ટીના કામો અને ગેટ રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને તમામ ડેમો પર વાયરલેસ સેટ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે.
ચોમાસા દરમિયાન અત્યાર સુધી થયેલા નુકસાનની વિગતોમાં જણાવાયું હતું કે, જસદણ તાલુકાના આટકોટ ગામે વીજળી પડવાના કારણે એક પશુનું (ગાય) મૃત્યુ નીપજ્યું છે, જ્યારે ધોરાજી તાલુકાના ભોળા ગામે પ્રાથમિક શાળાની દીવાલ ધરાશાયી થતાં એક સરકારી મકાનને નુકસાન થયું છે. જિલ્લામાં કોઈ માનવ મૃત્યુ કે મકાનોને નુકસાન થવાના અહેવાલ નથી.
બંધ થયેલા માર્ગો અંગેની વિગતોમાં જણાવાયું હતું કે, ઉપલેટા તાલુકામાં આવેલો જામકંડોળા, ખજૂરડા, ટીંબડી, અરણી, ભાયાવદર રોડ ડાઈવર્ઝન ડેમેજ થવાના કારણે બંધ થયો હતો, જેનાથી ભાયાવદર ગામ અસરગ્રસ્ત બન્યું હતું. આ માર્ગ પર ડાઈવર્ઝન રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને ૫ જુલાઈથી રસ્તો રિપેર કરીને હાલ ત્યાં વાહન વ્યવહાર ચાલુ કરી દેવાયો છે. જેતપુર તાલુકાનો જેતપુર-બગસરા રોડ પણ ડાઈવર્ઝન ડેમેજ થવાના કારણે પ્રભાવિત થયો હતો. આ રસ્તો બંધ થવાથી દેવકીગાલોળ, પરબવાવડી અને ભેસાણ જેવા ગામોને અસર પહોંચી હતી. આ પરિસ્થિતિમાં વાહન વ્યવહાર જાળવી રાખવા માટે દેવકીગાલોળ, ખીજડીયા, ચારણીયા, થાણાગાલોળ અને જેતપુર થઈને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને હાલ ટ્રાફિક દેવકીગાલોળ ગામની અંદરથી ચાલુ રાખવામાં આવ્યો છે.ઉપલેટા તાલુકાના અન્ય એક મહત્વના માર્ગ એવા સમઢીયાળા, તલંગના, મજેઠી, લાઠ, ભીમોરા રોડ પર પણ ડાઈવર્ઝન ડેમેજ થવાની સમસ્યા સર્જાઈ હતી. આ રસ્તો બંધ થવાથી ભીમોરા, લાઠ અને મજેઠી ગામોને અસર થઈ હતી. આ અંગે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મજેઠીથી લાઠ જવા માટે મજેઠી ગામની અંદરથી રસ્તો આપવામાં આવ્યો છે, તેમજ લાઠથી ભીમોરા માટે ડાઈવર્ઝન રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ માર્ગ પર ૬ જુલાઈથી મજેઠી ગામની અંદર થઈને રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો છે. આ બેઠકમાં સાંસદપરશોત્તમભાઈ રૂપાલા, શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઓનલાઈન જોડાયા હતા જ્યારે કલેક્ટર કચેરી ખાતે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પીજીવીસીએલના એમ.ડી. કેતન જોશી, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર વગેરે અધિકારીઓ જોડાયા હતા.




