પિત્ઝાના શોખીનો સાવધાન: સ્વાદના ચટાકામાં ક્યાંક રોગચાળો ન વળગે!
મનપાની ફૂડ શાખાનું મોટું ચેકિંગ: 11 પેઢીમાંથી 122 કિલો સડેલા ખોરાકનો નાશ, 13 હજારનો દંડ
- Advertisement -
કિશાનપરા ચોકમાં આવેલા D.N.S. આઇસ્ક્રીમમાંથી ચોકલેટ કોકો શેઇકનો નમૂનો લેવાયો
શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે લાલઆંખ કરી છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગની ટીમો દ્વારા શહેરમાં સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત ફૂડ વિભાગે અલગ-અલગ વિસ્તારોમાં આવેલી કુલ ૧૧ નામાંકિત પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સમાં તપાસ હાથ ધરી હતી, જેમાં મોટા પાયે અનિયમિતતાઓ અને ગંદકી સામે આવતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ચેકિંગ દરમિયાન કુલ ૧૨૨ કિલોગ્રામ અખાદ્ય તેમજ વાસી ખોરાકના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી કુલ રૂ. ૧૩,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે. આ ઉપરાંત, ૧ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ અને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે.
- Advertisement -
મહાનગરપાલિકાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી રોડ પર આવેલા “પીઝા કન્ટ્રી કિચન” માંથી ૧૪ કિલોગ્રામ એક્સપાયર થયેલા પીઝા બેઝ, વાસી ગ્રેવી, પાસ્તા અને નૂડલ્સનો જથ્થો મળી આવતા તેનો નાશ કરાયો હતો અને રૂ. ૫,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી ‘ડેરિસ્ટા ચીઝ’ નો નમૂનો લેવાયો હતો. તેમજ આ પેઢીને નોટિસ પણ આપવામાં આવી છે. જ્યારે ન્યુ કોલેજવાડી મેઇન રોડ પર જાગનાથ ચોક પાસે આવેલા “અમુલ પાર્લર” માંથી ૪૫ કિલોગ્રામ જેટલો એક્સપાયર આઇસ્ક્રીમ, ચોકલેટ, પનીર અને ફ્રોઝન સમોસાંનો વાસી જથ્થો ઝડપાતા તેનો નાશ કરી રૂ. ૩,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. આ જ રીતે રેસકોર્સ રીંગ રોડ પર સ્થિત “માણેક ચોક સેન્ડવીચ એન્ડ પીઝા” માંથી ૨૩ કિલોગ્રામ એક્સપાયર પીઝા બેઇઝ તથા મેન્યુફેક્ચરિંગ ડેટ વગરનો શીતલ આઇસ્ક્રીમ જપ્ત કરી નાશ કરાયો હતો અને રૂ. ૧,૦૦૦/- નો દંડ કરાયો હતો. નાણાંવટી ચોક પાસે આવેલા “કટક બટક ફાસ્ટ ફૂડ” માંથી પણ ૪ કિલોગ્રામ એક્સપાયર ફ્રોઝન સમોસાં અને પિઝા બેઝનો નાશ કરી રૂ. ૩,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
તંત્ર દ્વારા સેન્ટ્રલ ઝોન અને અન્ય વિસ્તારોમાં પણ તપાસ લંબાવવામાં આવી હતી, જેમાં ઢેબર રોડ પર યુનિયન બેન્ક નીચે આવેલા “જૈન ફૂડ” માંથી ૧૨ કિલોગ્રામ વાસી મીઠાઈ અને સડેલા કેળાનો નાશ કરી રૂ. ૧,૦૦૦/- નો ચાર્જ વસૂલાયો હતો અને ત્યાંથી ‘તીખા ગાઠીયા (લુઝ)’ નો નમૂનો લેવાયો હતો. નિર્મલા રોડ પર આવેલા “દેવ ફાસ્ટ ફૂડ” માંથી ૧૪ કિલોગ્રામ વાસી ચીઝ, ગ્રેવી અને સલાડનો નાશ કરી રૂ. ૧,૦૦૦/- નો દંડ વસૂલ કરાયો હતો અને ‘બટર લુઝ’ તથા ‘પનીર લુઝ’ ના નમૂના લેવાયા હતા. આ જ રોડ પર આવેલા “જય દ્વારકાધીશ ગોલાવાલા” માંથી ૫ કિલોગ્રામ ખરાબ થઈ ગયેલી મિલ્ક ક્રીમનો નાશ કરી રૂ. ૧,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી મિલ્ક ક્રીમનો નમૂનો લેવાયો હતો. કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે આવેલા “ઈટ & જોય ફૂડ” માંથી ૫ કિલોગ્રામ એક્સપાયર બ્રેડ અને બાફેલા બટેટાનો નાશ કરી રૂ. ૧,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો.
આ ઉપરાંત, ખાદ્ય પદાર્થોની શુદ્ધતાની ચકાસણી કરવા માટે ફૂડ વિભાગે રૈયા રોડ પર રાજ રાજેસ્વરી મંદિર સામે આવેલી “ગૂજરાત ફૂડ્સ” પેઢીમાંથી ‘DANKEN DAIRY CONTEXT ANALOGUE’ (1 KG PKD) અને ‘ARIKA MEDIAM FAT PANEER’ (1 KG PKD) ના શંકાસ્પદ નમૂના લીધા હતા. તેમજ કિશાનપરા ચોક ખાતે આવેલા “D.N.S આઇસ્ક્રીમ” માંથી ‘ચોકલેટ કોકો શેઇક’ નો નમૂનો લઈ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની આ કડક અને અચાનક થયેલી કાર્યવાહીને પગલે શહેરના ખાણી-પીણીના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. આરોગ્ય શાખાએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આ પ્રકારનું ચેકિંગ સઘન રીતે ચાલુ રાખવામાં આવશે.




