મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તાજેતરમાં જ તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્ત્વની રિવ્યુ બેઠક યોજી, આ બેઠકમાં ચોમાસા પૂર્વની કામગીરીની સમીક્ષા કરવાની સાથે જ અતિવૃષ્ટિ કે પૂર જેવી આપત્તિ સમયે લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું
- Advertisement -
રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે અને પ્રથમ વરસાદની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ સજ્જ બન્યું છે. દર વર્ષે ચોમાસા દરમિયાન શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાવા, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થવા અને રસ્તાઓ તૂટી જવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હોય છે. આ બાબતને ગંભીરતાથી લઈને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તાજેતરમાં જ તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્ત્વની રિવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં ચોમાસા પૂર્વની કામગીરીની સમીક્ષા કરવાની સાથે જ અતિવૃષ્ટિ કે પૂર જેવી આપત્તિ સમયે લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ ઉચ્ચ અધિકારીઓની સાથે જ એન્જિનિયરોને 24 કલાક શિફ્ટ મુજબ કામગીરી સોંપી દેવામાં આવી છે. તેમજ ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.કમિશનર દ્વારા લેવાયેલા કડક નિર્ણયોના ભાગરૂપે આ વર્ષે ચોમાસા દરમિયાન કંટ્રોલ રૂમની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. ફાયર બ્રિગેડ સેન્ટ્રલ ફ્લડ કંટ્રોલ રૂમને હાલમાં નાનામવા રોડ પરનાં આઈસીસીસી (ICCC) ભવન ખાતે શરૂ કરી દેવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ ખાતે નાગરિકોની સુવિધા અને બચાવ રાહત કાર્ય માટે 24*7 એટલે કે ચોવીસેય કલાક અધિકારીઓ હાજર રહે તેવા ઓર્ડર કરવામાં આવ્યા છે. આ માટે દિવસ-રાત દરમિયાન કુલ 3 અલગ-અલગ શિફ્ટ બનાવવામાં આવી છે, જેમાં સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી, બપોરે 2થી રાત્રે 10 વાગ્યા સુધી અને રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી અધિકારીઓ ફરજ પર તૈનાત રહેશે.




