તંત્ર સૂતું, નિયમોની ખુલ્લેઆમ હત્યા! જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ: રહીશોમાં રોષ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
- Advertisement -
હળવદ શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ બેન્ક ઓફ બરોડા નજીકની ઘટના માત્ર બેદરકારી નહીં પરંતુ નાગરિકોના જીવ સાથે સીધો ગુનો હોવાનું સ્થાનિકો સ્પષ્ટ કહી રહ્યા છે કોય અજાણ્યા શખ્સ દ્વારા ખતરનાક મેડિકલ વેસ્ટ જાહેર માર્ગ પર ફેંકવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનું વાતાવરણ સર્જાયું છે.
મેડીકલ વેસ્ટ સિરિન્જ, દવાઓના ખાલી બોટલ સહિતનો મેડિકલ વેસ્ટ રસ્તા પર ખુલ્લેઆમ પડ્યો હોવા છતાં નગરપાલિકા અને આરોગ્ય વિભાગની શરમજનક ચુપ્પી સામે આવી છે. આ પ્રકારનો કચરો સામાન્ય ગંદકી નહીં પરંતુ રોગ ફેલાવવાનું જીવલેણ સાધન છે, જે બાળકો, વૃદ્ધો અને પશુઓ માટે ગંભીર ખતરો ઊભો કરે છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે મેડિકલ વેસ્ટના નિકાલ માટે કડક નિયમો હોવા છતાં અમલ શૂન્ય છે. નિયમો માત્ર કાગળ પૂરતા સીમિત રહી ગયા છે અને વાસ્તવમાં નિયમોની ઐસીતૈસી થઈ રહી છે. જો કોઈ સામાન્ય નાગરિકે આવું કર્યું હોત તો તરત દંડ અને કાર્યવાહી થાત, પરંતુ અહીં તો તંત્રની લાચાર મૌન મંજૂરી જોવા મળી રહી છે.સ્થાનિક લોકો ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે નગરપાલિકા ક્યાં છે?આરોગ્ય વિભાગ કોની રાહ જોઈ રહ્યો છે? મેડિકલ વેસ્ટ ફેંકનારને કોણ બચાવી રહ્યું છે?
લોકોમા રોષ ફાટી નીકળ્યો હતો, આ બેદરકારી નહીં, ખુલ્લો ગુનો છે. જો કોઈ બાળક કે નાગરિકને ઈજા થશે તો જવાબદાર કોણ? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બાદ જ જાગશે?કે પછી કોઈના આશીર્વાદથી દોષિતોને બચાવવામાં આવી રહ્યા છે?
સ્થાનિકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક મેડિકલ વેસ્ટ દૂર કરી દોષિત સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી,જીવ સાથે ખેલ કરનારને કોઈપણ ભોગે છોડવામાં ન આવે તેવી લોકમાંગ માંગ ઉઠવા પામી છે.



