સિટી પેલેસ અને બાલાજી હોટલને સીલ કરવાની કાર્યવાહી શરૂ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
- Advertisement -
ચોટીલા યાત્રાધામ નજીક નેશનલ હાઈવે પર આવેલી કેટલીક હોટલોમાં દેહવ્યાપાર સહિતની ગેરકાયદેસર અને અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદોના આધારે ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન નાયબ કલેક્ટરની ટીમ દ્વારા ડમી ગ્રાહકો મોકલી તપાસ કરાતા ચોટીલા પાસે આવેલી સીટી પેલેસ હોટલ તથા બાલાજી હોટલમાં દેહવ્યાપારની અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું બહાર આવ્યું હતું. ચેકિંગ દરમિયાન એક વ્યક્તિ દીઠ રૂ. 1000 વસૂલવામાં આવતા હોવાનું પણ ખુલ્યું છે. આ મામલે સીટી પેલેસ હોટલના માલિક દેવાભાઈ ભીખાભાઈ આલ તેમજ બાલાજી હોટલના માલિક ગભરૂભાઈ ભોજભાઈ કાઠી દરબાર (બન્ને રહે. ચોટીલા) સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને હોટલ માલિકોને દેહવ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવા તેમજ હોટલ સીલ કરવાની કાર્યવાહી માટે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
નાયબ કલેક્ટર દ્વારા હાઈવે પર આવેલી હોટલોમાં અનૈતિક પ્રવૃત્તિઓ સામે કડક ચેકિંગ શરૂ કરાતા અન્ય હોટલ માલિકોમાં પણ ફફડાટ ફેલાયો છે. યાત્રાધામ ચોટીલા અને આસપાસના વિસ્તારમાં દેહવ્યાપાર કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.



