છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓનું સર્વસ્વ છીનવાઈ ગયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરની મુખ્ય બજારમાં આવેલ વિશાલ કોમ્પલેક્ષની પાંચ દુકાનોને ખાનગી બેંક દ્વારા શીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી દુકાનો ખરીદનાર વેપારીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, વિશાલ કોમ્પલેક્ષની પાંચ દુકાનોના મૂળ માલિક દ્વારા ભરત મેવાડાને કોમ્પલેક્ષ વેચાણ આપ્યું હતું. જે કોમ્પલેક્ષના જૂના ભાડુઆત અને ગીરવે રાખેલી દુકાનદારોને નવા માલિક ભરતભાઈ મેવાડા દ્વારા દુકાનો ખાલી કરાવવા દબાણ કરી દુકાનો પર ખાનગી બેંકમાંથી લોન લીધી હતી. ત્યારબાદ આ જ દુકાનો અન્ય વેપારીઓને વેચાણ કરી દેવામાં આવી હતી. દુકાનો ખરીદનાર વેપારીઓને પોતે ખરીદી કરેલ દુકાનો પર લોન હોવાની જાણ થતા પાંચ શખ્સો વિરુધછેતરપિંડી અંગેનો ગુનો નોંધાવ્યો હતો. જોકે, લાંબા સમયથી ચાલતા વિવાદ બાદ અંતે બેંક દ્વારા લોનની બાકી રકમના પગલે દુકાનો ખાલી કરાવી શીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બેંકની આ કાર્યવાહીથી દુકાનો ખરીદનાર વેપારીઓનું કહેવું છે કે તેઓએ પોતાની મહેનતની કમાણી લગાવી દુકાનો ખરીદી હતી, પરંતુ હવે રૂપિયા અને દુકાન બંને હાથમાંથી નીકળી જતા તેઓ રસ્તા પર આવી ગયા છે. વેપારીઓએ ન્યાય માટે તંત્ર પાસે ફરી એકવાર રજુઆત કરવાની માંગ ઉઠાવી છે.



