કતારથી 62,370 મેટ્રીક ટન LNG લઇને દહેજ પોર્ટ આવ્યું
શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને પેટ્રોનેટ LNG સાથે જોડાણ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ભારતના ઊર્જા ક્ષેત્ર માટે ખૂબ જ મહત્ત્વના અને રાહતના સમાચાર આવ્યા છે. લિક્વિફાઇડ નેચરલ ગેસ લઈને આવી રહેલું વિશાળ દરિયાઈ જહાજ ‘દિશા’ સફળતાપૂર્વક ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ પોર્ટ પર પહોંચી ગયું છે. વ્યૂહાત્મક રીતે વિશ્વના સૌથી સંવેદનશીલ ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ દરિયાઈ માર્ગને પાર કરીને આ ટેન્કર શુક્રવારે સવારે આશરે ૭:૩૨ વાગ્યે દહેજ ટર્મિનલ પર લાંગર્યું છે. વેસલ ટ્રેકિંગ ડેટાના આધારે આ મહત્ત્વની માહિતી સામે આવી છે.
આ એલએનજી કાર્ગો કતારના પ્રખ્યાત ‘રાસ લફાન એલએનજી ટર્મિનલ’ પરથી લોડ કરવામાં આવ્યું હતું. આ જહાજમાં ૬૨,૩૭૦ મેટ્રિક ટન જેટલો એલએનજીનો જંગી જથ્થો રહેલો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વેસ્ટ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે આ જહાજ છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી ખાડી વિસ્તારમાં જ ઊભું રાખવામાં આવ્યું હતું. લાંબી પ્રતીક્ષા અને તમામ સુરક્ષા પાસાંની ચકાસણી બાદ આખરે આ સફર સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
આ દરિયાઈ જહાજ ‘દિશા’નું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ટેન્કરને ‘પેટ્રોનેટ એલએનજી લિમિટેડ’ માટે ચાર્ટર (ભાડે) કરવામાં આવ્યું છે. વૈશ્વિક ઊર્જા બજાર માટે હાલનો સમય અત્યંત નાજુક માનવામાં આવે છે, તેવા સમયે આટલા મોટા જથ્થા સાથે જહાજનું ભારત આવવું એ દેશની ઊર્જા સુરક્ષા માટે મોટી સફળતા છે.
જહાજ ‘દિશા’ એ જે માર્ગ પરથી પ્રવાસ ખેડ્યો છે તે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ વિશ્વમાં ઓઇલ અને ગેસના પરિવહન માટેનો સૌથી મહત્ત્વનો અને સંવેદનશીલ દરિયાઈ ચોકપોઇન્ટ (માર્ગ) ગણાય છે. આ વિસ્તારમાં સહેજ પણ અવરોધ ઊભો થાય તો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ભીતિ રહે છે. આથી જ, ભારત આવતા આ જહાજની સુરક્ષિત સફર પર ઊર્જા ક્ષેત્રના તમામ હિતધારકોની નજર ટકેલી હતી.
ઈરાન-USમાં કાલે પીસ ડીલ, આજની વાતચીત રદ્દ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફ્રાન્સમાં થયા હતા. બંને દેશોએ નક્કી કર્યું હતું કે તેઓ ૧૯ જૂનથી કરારની શરતો અંગે વાતચીત કરશે. આ માટે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને સ્વિટ્ઝર્લેન્ડ જવાનું હતું. પરંતુ હવે આ યાત્રા રદ થઈ ગઈ છે. ધ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, બેઠક રદ કરવાનો નિર્ણય એટલો અચાનક લેવામાં આવ્યો કે વેન્સનો સ્ટાફ અને તેમની સાથે જનારા પત્રકારોનો એક નાનો સમૂહ વોશિંગ્ટન બહાર સ્થિત જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પહોંચી ચૂક્યો હતો. જ્યારે વ્હાઈટ હાઉસના ડઝનબંધ અધિકારીઓ અને ઘણા વિદેશી મીડિયાકર્મીઓ પહેલાથી જ સ્વિટ્ઝર્લેન્ડમાં હાજર હતા. અમેરિકી મીડિયા એક્સિયોસના એક રિપોર્ટ અનુસાર, વેન્સની સ્વિટ્ઝર્લેન્ડ યાત્રા ટળવા પાછળ લેબનોનને લઈને ઈરાનની માંગણીઓ કારણભૂત હોઈ શકે છે. જોકે, શાંતિ કરારમાં તમામ મોરચે લડાઈ સમાપ્ત કરવાની વાત કહેવામાં આવી હતી. આમાં લેબનોનમાં ચાલી રહેલું યુદ્ધ પણ સામેલ છે. પરંતુ ઇઝરાયલના લેબનોન પર સતત હુમલાઓ આગળની વાટાઘાટોમાં મતભેદ ઊભા કરી રહ્યા છે.




