19 રાજ્ય વરસાદ માટે તરસ્યા : 7 રાજ્યમાં 60% ઓછો વરસાદ
ઉત્તર પ્રદેશ સહિત 7 રાજ્યમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા અને દિલ્હીમાં પ્રી-મોનસૂન હેઠળ વરસાદ થઈ રહ્યો છે. ૪ જૂને કેરળમાં દસ્તક આપ્યા બાદ મોન્સૂન ૧૫ દિવસમાં ૧૯ રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે. મોન્સૂન છેલ્લા ૫ દિવસથી ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર અટકેલું છે.
હરિયાણાના હિસારમાં ગુરુવારે તેજ પવન સાથે વરસાદ થયો. અહીં ઘણી ગાડીઓ પર વૃક્ષો પડ્યા. જ્યારે સિરસામાં કરા પણ પડયા. એમપીના ઈન્દોર-ગુના સહિત ૬ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ થયો. જોકે, પ્રી-મોન્સૂન સક્રિય હોવા છતાં યુપી-રાજસ્થાન સહિત ૭ રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રી થી વધુ છે. ગુરુવારે દેશમાં સૌથી વધુ તાપમાન યુપીના બાંદામાં ૪૩.૨ ડિગ્રી નોંધાયું. ૧૮ જૂન સુધીના આંકડા મુજબ સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની રહી, જ્યાં સામાન્ય કરતાં ૭૮% ઓછો વરસાદ થયો. ત્યારબાદ ગુજરાતમાં ૭૯% ઓછો વરસાદ નોંધાયો.
- Advertisement -
રાજસ્થાનમાં હવામાન વિભાગે ચુરુ, શ્રીગંગાનગર, હનુમાનગઢ અને ઝુંઝુનૂ સહિત રાજ્યના ૩૦ જિલ્લામાં આજે વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ચોમાસાએ સતત ત્રીજા વર્ષે જૂનમાં લાંબો વિરામ લીધો છે. જોકે, ૨૦૨૪ અને ૨૦૨૫માં શરૂઆતી વિરામ છતાં આખી સિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. આ વર્ષે ૪ જૂનથી ૧૮ જૂન વચ્ચે દેશમાં સામાન્ય કરતાં ૪૧% ઓછો વરસાદ થયો છે.
મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓડિશાના ઘણા શહેરોમાં બુધવારે તાપમાન ૪૦ ડિગ્રી થી વધુ રહ્યું. દેશમાં સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદેશના બાંદામાં ૪૩.૨ ડિગ્રી નોંધાયું. જ્યારે મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં ૪૨.૩ ડિગ્રી, ઓડિશાના બૌધમાં ૪૨.૮ ડિગ્રી, છત્તીસગઢના બિલાસપુરમાં ૪૧.૬ ડિગ્રી, ઝારખંડના ડાલ્ટનગંજમાં ૪૨ ડિગ્રી, બિહારના છપરામાં ૪૧.૬ ડિગ્રી અને એમપીના ખજુરાહોમાં ૪૧.૪ ડિગ્રી તાપમાન રહ્યું.




