વૈજ્ઞાનિક ન્યૂટનને મહાન પાયલટ ગણાવ્યા, કર્ણાટકના હમ્પી મંદિરને કોણાર્ક સૂર્ય મંદિર ગણાવ્યું
નિયમગિરિની ટેકરીઓને ઝારખંડમાં દર્શાવવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઓડિશા સરકારની શાળાઓમાં ધોરણ ૧ થી ૮ ના નવા પુસ્તકોમાં ૧,૬૭૮ ભૂલો મળી છે. સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. સૌથી વધુ ૭૦૫ ભૂલો ધોરણ ૮ ના પુસ્તકોમાં મળી છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જવાબદાર લોકોની ઓળખ કરીને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. એક પુસ્તકમાં વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનને પાયલટ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
આ પુસ્તકો સત્ર ૨૦૨૬-૨૭ માટે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) ૨૦૨૦ અને ઓડિશા ક્યુરિકુલમ ફ્રેમવર્ક ૨૦૨૫ હેઠળ તૈયાર કરવામાં આવ્યા હતા. શાળાઓ સુધી પહોંચ્યા પછી, શિક્ષકોએ તેમાં તથ્યગત, વૈજ્ઞાનિક અને પ્રિન્ટિંગ સંબંધિત ઘણી ભૂલો તરફ ધ્યાન દોર્યું. ત્યારબાદ આ મામલો સરકાર સુધી પહોંચ્યો.
- Advertisement -
સૌથી વધુ ચર્ચા તે ભૂલની થઈ, જેમાં વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનને ‘મહાન પાયલટ’ ગણાવવામાં આવ્યા. આ ઉપરાંત કર્ણાટક વિધાનસભાની તસવીરને ઓડિશા વિધાનસભા અને હમ્પી મંદિર પરિસરની તસવીરને કોણાર્ક સૂર્ય મંદિરના નામથી છાપવામાં આવી. પુસ્તકોમાં ઓડિશાની નિયમગિરિની ટેકરીઓને ઝારખંડમાં દર્શાવવામાં આવી. ઘઉં અને ડાંગરની પણ ખોટી ઓળખ કરવામાં આવી.
વિજ્ઞાન સંબંધિત પ્રકરણોમાં પણ ઘણા કોન્સેપ્ટ ખોટા લખાયા છે. તાપમાનને દબાણ તરીકે દર્શાવવામાં આવ્યું. ફૂડ વેબની જગ્યાએ ફૂ સાયકલ લખવામાં આવ્યું. ‘Equinox’ ની જગ્યાએ ‘Equator’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. શિક્ષકોએ સવાલ ઉઠાવ્યો કે આટલી મોટી સંખ્યામાં ભૂલો હોવા છતાં પુસ્તકોની સમીક્ષા અને તપાસ કેવી રીતે પૂરી થઈ ગઈ?
તપાસ સમિતિ 7 દિવસમાં રિપોર્ટ આપશે
લોક સેવા ભવનમાં શાળા અને જન શિક્ષણ મંત્રી નિત્યાનંદ ગોંડ, મુખ્ય સચિવ અનુ ગર્ગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રીએ વિકાસ કમિશનરની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો. સમિતિને સાત દિવસની અંદર રિપોર્ટ સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકારે કહ્યું છે કે ભવિષ્યમાં આવી ભૂલો ફરી ન થાય તે માટે પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની અને તેની ગુણવત્તા તપાસની સંપૂર્ણ પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવશે.




