દીપ્તિ શર્માએ માત્ર 10 રન આપીને 5 વિકેટ ઝડપી; સ્મૃતિ મંધાનાએ 68 રન ફટકાર્યા
ઈન્ડિયા વુમન્સ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 64 રનથી હરાવી દીધું છે. બર્મિંગહામના એજબેસ્ટનમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ ફિફ્ટી ફટકારી. તેણે 44 બોલમાં 68 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 2 સિક્સર પણ સામેલ છે. કેપ્ટન હરમનપ્રીત કૌરે 36 રનની ઇનિંગ્સ રમી. રિચા ઘોષે 17 બોલમાં 34 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી સાદિયા ઇકબાલ અને ફાતિમા સનાએ 2-2 વિકેટ લીધી. તસ્મિયા રુબાબ અને રામીન શમીમને 1-1 સફળતા મળી.
171 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 17 ઓવરમાં 106 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. મુનીબા અલીએ સૌથી વધુ 41 રન બનાવ્યા. ભારત તરફથી દીપ્તિ શર્માએ શાનદાર બોલિંગ કરતા માત્ર 10 રન આપીને 5 વિકેટ ઝડપી. શ્રી ચરણીને 3 અને શેફાલી વર્માને એક વિકેટ મળી.
- Advertisement -
દીપ્તિની 5 વિકેટથી ભારતની જીત
દીપ્તિ શર્માની 5 વિકેટની મદદથી ભારતે પાકિસ્તાનને 106 રનમાં ઓલઆઉટ કરીને 64 રનથી શાનદાર જીત નોંધાવી છે. પાકિસ્તાનને છેલ્લી 18 બોલમાં 65 રનની જરૂર હતી, પરંતુ દીપ્તિએ 17મી ઓવરમાં જ મેચ ખતમ કરી દીધી. દીપ્તિએ આ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી. પહેલા તેણે આલિયા રિયાઝ (18)ને ડીપ મિડવિકેટ પર કેચ કરાવી. ત્યારબાદ તસ્મિયા રુબાબ ખાતું ખોલાવ્યા વિના જેમિમાહ રોડ્રિગ્સને કેચ આપી બેઠી. ઓવરના છેલ્લા બોલ પર નશરા સંધુ પણ શોર્ટ મિડવિકેટ પર હરમનપ્રીત કૌરને કેચ આપીને આઉટ થઈ ગઈ. દીપ્તિએ 4 ઓવરમાં માત્ર 10 રન આપીને 5 વિકેટ ઝડપી.




