મેસ્સીએ અલ્જેરિયા સામેની મેચમાં ત્રણ ગોલ ફટકારી વર્લ્ડ કપના સર્વાધિક ગોલના રેકોર્ડની બરાબરી કરી
200મી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો, રોનાલ્ડોની ખાસ ક્લબમાં સામેલ થયો
કેન્સાસ સિટીમાં રમાયેલી ફૂટબોલ વર્લ્ડ કપ-2026ની પોતાની પ્રથમ મેચમાં આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સીએ ઇતિહાસ રચી દીધો છે. અલ્જેરિયા સામે મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ પોતાની 200મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને વિશ્વ ફૂટબોલમાં એક વધુ સીમાચિહ્ન સ્થાપિત કર્યું. આ સાથે જ તેણે વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત હેટ્રિક નોંધાવી પોતાની ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. 37 વર્ષીય મેસ્સીએ અલ્જેરિયા સામે આક્રમક રમતનું પ્રદર્શન કરતાં સતત ત્રણ ગોલ ફટકાર્યા અને આર્જેન્ટિનાને 3-0ની મજબૂત લીડ અપાવી. આ હેટ્રિક સાથે મેસ્સીના વર્લ્ડ કપમાં કુલ ગોલની સંખ્યા 16 પર પહોંચી ગઈ છે, જેના કારણે તેણે વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરવાના રેકોર્ડની બરાબરી કરી છે. મેસ્સીની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નહીં પરંતુ વૈશ્વિક ફૂટબોલ માટે પણ ઐતિહાસિક માનવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 200 મેચ રમનાર તે વિશ્વનો ત્રીજો ફૂટબોલર બન્યો છે. આ વિશિષ્ટ યાદીમાં પોર્ટુગલના સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને કુવૈતના બદર અલ-મુતાવા પણ સામેલ છે.
લિયોનેલ મેસ્સીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત ઓગસ્ટ-2005માં થઈ હતી. છેલ્લા બે દાયકામાં તેણે આર્જેન્ટિનાને અનેક યાદગાર સફળતાઓ અપાવી છે. તેની આગેવાની હેઠળ આર્જેન્ટિનાએ 2022નો ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો હતો, જ્યારે બે વખત કોપા અમેરિકા અને ફાઇનલિસિમા જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં પણ વિજય મેળવ્યો હતો. અલ્જેરિયા સામેની હેટ્રિક મેસ્સીની વર્લ્ડ કપ કારકિર્દીની પ્રથમ હેટ્રિક બની છે. આ સાથે તેણે પોતાની પાંચમી અલગ-અલગ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ગોલ કરવાની અનોખી સિદ્ધિ પણ હાંસલ કરી છે. આ ઉપલબ્ધિ મેળવનાર તે વિશ્વનો માત્ર બીજો ખેલાડી બન્યો છે. આ પહેલાં આ સિદ્ધિ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામે નોંધાયેલી હતી. ફૂટબોલ જગતમાં પહેલેથી જ અનેક રેકોર્ડ પોતાના નામે કરી ચૂકેલા મેસ્સીએ હવે 200 આંતરરાષ્ટ્રીય મેચ, વર્લ્ડ કપ હેટ્રિક અને સર્વાધિક વર્લ્ડ કપ ગોલના રેકોર્ડની બરાબરી કરીને પોતાની મહાનતામાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેર્યું છે. વિશ્વભરના ફૂટબોલ ચાહકો માટે આ મેચ લાંબા સમય સુધી યાદગાર બની રહેશે.
- Advertisement -
સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડીઓ
1. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (પોર્ટુગલ) – 228 મેચ
2. બદર અલ-મુતાવા (કુવૈત) – 202 મેચ
3. લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના) – 200 મેચ




