પોન્ઝી સ્કીમના ભેજાંબાજો જેટલાં જ લુચ્ચા છે ઈન્વેસ્ટર્સ
આવા રોકાણકારો મહિનાઓ કે વર્ષો સુધી તગડું વ્યાજ ખાય છે અને હરામની આવક બંધ થાય ત્યારે વિક્ટિમ કાર્ડ ખેલે છે
- Advertisement -
આજના સમયમાં દરેક વ્યક્તિ ઓછા સમયમાં વધુ પૈસા કમાઈ લેવા માંગે છે. આ વધુ પૈસા કમાઈ લેવાની મહત્વકાંક્ષા જ મોટા નાણાકીય કૌભાંડને જન્મ આપે છે. જ્યારે પણ કોઈ પોન્ઝી સ્કીમ, ચિટફંડ કૌભાંડ કે ઊંચા વ્યાજની લાલચ આપતી રોકાણ યોજનાનો ભાંડો ફૂટે છે ત્યારે સામાન્ય રીતે સમગ્ર દોષનો ટોપલો છેતરપિંડી કરનારી પેઢી અને પૈસા ઉઘરાવનારાઓ પર જ ઢોળવામાં આવે છે. નિ:સંદેહ આવા લોકો કાયદાકીય રીતે ગુનેગાર છે અને તેમની સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. પરંતુ એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે, શું આવા કૌભાંડોમાં પૈસા રોકનારાઓ સંપૂર્ણપણે નિર્દોષ હોય છે? શું આપણે એ ક્યારેય વિચાર્યું છે કે આ કૌભાંડો એટલા મોટા કદના કેમ બને છે? જવાબ છે: લોકોનો અતિશય લોભ. શું ઊંચા વ્યાજની લાલચે અંધ બનીને પોતાની મૂડી આવી સ્કીમોમાં રોકનાર લોકો પણ આ ગુનામાં સરખા ભાગીદાર નથી?
ભારતમાં બેંકો, પોસ્ટ ઓફિસ, મ્યુચ્યુઅલ ફંડ, સરકારી બોન્ડ અને અન્ય કાયદેસર નાણાકીય સાધનો ઉપલબ્ધ છે. દરેક જગ્યાએ રોકાણ પર મળતું વળતર એક ચોક્કસ મર્યાદામાં હોય છે. જો કોઈ વ્યક્તિને બેંકમાં 6થી 8 ટકા વ્યાજ મળે છે અને કોઈ બીજી યોજના તેને દર મહિને 10 ટકા કે વર્ષનું 40-50 ટકા વળતર આપવાનું વચન આપે છે તો સામાન્ય સમજ ધરાવતી વ્યક્તિએ તરત જ સાવધાન થઈ જવું જોઈએ. અર્થશાસ્ત્રના મૂળભૂત નિયમો પ્રમાણે આવું વળતર લાંબા ગાળે શક્ય જ નથી.
ઊંચા વળતળની લાલચે હજારો લોકો કોઈ તપાસ કર્યા કે વિચાર્યા વિના ખાનગી યોજનાઓમાં પૈસા મૂકે છે. તેનું કારણ અજ્ઞાનતા કરતાં વધુ લાલચ હોય છે. ઘણા રોકાણકારો જાણતા હોય છે કે યોજના શંકાસ્પદ છે, છતાં તેઓ એવું માને છે કે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી કમાણી કરી લઈએ. કેટલાક લોકો તો પોતાના સગાં-સંબંધીઓ અને મિત્રોને પણ તેમાં જોડે છે જેથી તેમને વધુ કમિશન અથવા નફો મળે. આવી સ્થિતિમાં તેઓ માત્ર રોકાણકાર નહીં, પરંતુ સમગ્ર ગેરવ્યવસ્થાના પ્રચારક બની જાય છે.
પોન્ઝી સ્કીમનું મૂળ તત્વ જ એ છે કે જૂના રોકાણકારોને નવા રોકાણકારોના પૈસામાંથી નફો ચૂકવવામાં આવે છે. એટલે શરૂઆતમાં જોડાયેલા લોકોને મળતો નફો વાસ્તવમાં પાછળથી જોડાયેલા લોકોના નુકસાનમાંથી આવે છે. જે વ્યક્તિ ઊંચા વળતરની આશાએ તેમાં જોડાય છે તે જાણે-અજાણે એવી પ્રણાલીને મજબૂત બનાવે છે જે અંતે અનેક લોકોને આર્થિક નુકસાન પહોંચાડવાની છે.
પોલીસ, રિઝર્વ બેંક, સેબી અને વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા વારંવાર લોકોને ચેતવણી આપવામાં આવે છે કે અસામાન્ય વળતર આપતી યોજનાઓથી દૂર રહો. અખબારો, ટીવી અને સોશિયલ મીડિયા પર પણ સતત જાગૃતિ અભિયાન ચાલે છે. છતાં લોકો આવી યોજનાઓમાં કરોડો રૂપિયા રોકે છે. પછી જ્યારે યોજના તૂટી પડે છે ત્યારે તેઓ પોલીસ સ્ટેશન, કોર્ટ અને સરકારી કચેરીઓના ચક્કર કાપે છે.
કાયદાની દ્રષ્ટિએ છેતરપિંડીનો મુખ્ય ગુનો નાણાકીય યોજનાના સંચાલકોનો જ છે. પરંતુ સામાજિક દ્રષ્ટિએ રોકાણકારોની જવાબદારીને સંપૂર્ણપણે નકારી શકાય નહીં. જો લોકો અસંભવિત નફાની લાલચ રાખવાનું બંધ કરે તો આવી મોટાભાગની યોજનાઓ શરૂ જ ન થઈ શકે. છેતરનારાઓ ત્યાં જ સફળ થાય છે જ્યાં લાલચ ધરાવતા લોકો ઉપલબ્ધ હોય.
આ બાબતને એક અન્ય દ્રષ્ટાંતથી સમજીએ. જો કોઈ વ્યક્તિ જાણે છે કે કોઈ માલ ચોરીનો હોઈ શકે છે છતાં સસ્તામાં ખરીદી લે છે તો કાયદો તેને પણ નિર્દોષ માનતો નથી. કારણ કે તેની ખરીદી ચોરીના વ્યવસાયને પ્રોત્સાહન આપે છે. તેવી જ રીતે ગેરવાજબી નફાની આશાએ કરવામાં આવેલું રોકાણ પણ ઘણી વખત ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓને બળ આપે છે.
જે લોકો સ્પષ્ટપણે ગેરવાજબી નફાની લાલચમાં આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે, તેમના માટે કાયદાકીય જવાબદારી નક્કી કરવાની જરૂર છે. ઓછામાં ઓછું તેઓ દ્વારા મેળવવામાં આવેલો ગેરવાજબી નફો પરત લેવો, અન્ય લોકોને જોડવા બદલ જવાબદાર ઠેરવવા અથવા દંડની જોગવાઈ અંગે વિચારણા થઈ શકે.
સમાજમાં છેતરપિંડી માત્ર છેતરનારાઓના કારણે જ નહીં, પરંતુ ઝડપી અને સહેલી કમાણી કરવાની માનસિકતાના કારણે પણ ફેલાય છે. જ્યાં સુધી લોકો ઓછા સમયમાં બમણા પૈસા જેવી વાતોમાં વિશ્વાસ રાખશે, ત્યાં સુધી નવા-નવા ઠગો જન્મતા રહેશે. આ આર્થિક કૌભાંડ રોકવા માત્ર એક મની સ્કીમના નામે છેતરપિંડી કરનારા વિરુદ્ધ જ નહીં, ઊંચા વળતળની લાલચે રોકાણ કરનારા પર પણ કાર્યવાહી થવી જોઈએ.
પોલીસની ચેતવણી અને લોકોની બેદરકારી
પોલીસ અને નાણાકીય નિયમનકારી સંસ્થાઓ વારંવાર જાહેરાતો, અખબારો અને સોશિયલ મીડિયા દ્વારા ચેતવણી આપે છે કે અજાણી કે બિનઅધિકૃત સ્કીમોમાં પૈસા રોકશો નહીં. તેમ છતાં લોકો પોલીસની ચેતવણીને અવગણીને આવી લાલચમાં ફસાય છે. જ્યારે પૈસા ડૂબી જાય, ત્યારે પોલીસ સ્ટેશનમાં દોડી જઈને ફરિયાદ નોંધાવે છે. અહીં પોલીસની કામગીરીનું ભારણ અનેકગણું વધી જાય છે. જે પોલીસ સ્ટાફ ગુનાખોરી ડામવા કે અન્ય મહત્વના કામોમાં રોકાયેલો હોવો જોઈએ, તેને માત્ર લોકોના ’લોભ’ને કારણે સર્જાયેલા કૌભાંડો ઉકેલવામાં સમય અને શક્તિ ખર્ચવી પડે છે. શું આ વાજબી છે? પોલીસની ચેતવણીને ગંભીરતાથી ન લેવી એ પોતે જ એક પ્રકારની નાગરિક બેજવાબદારી છે.
રોકાણકારો વિરુદ્ધ કેમ કાર્યવાહી થવી જોઈએ?
જે લોકો વારંવાર ચેતવણીઓ છતાં કોઈ કાયદેસર દસ્તાવેજ વિના, કોઈ નિયમનકારી મંજૂરી વિના અને અસામાન્ય નફાની આશાએ મોટી રકમો રોકે છે તો તેમની જવાબદારી પણ નક્કી થવી જોઈએ. કાયદો માત્ર ગુનો કરનારને જ નહીં, પણ ગુનાને પ્રોત્સાહન આપનારને પણ જવાબદાર ઠેરવી શકે છે. ઘણી સ્કીમોમાં એવું જોવા મળે છે કે રોકાણકારો શરૂઆતમાં જાણતા હોવા છતાં અન્ય લોકોને જોડે છે જેથી તેમને કમિશન મળે. આવા લોકો માત્ર પીડિત નથી, તેઓ તો કૌભાંડના પ્રસારક છે. તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જ જોઈએ.




