દૂધ લઈને ઘરે જતા બાળકના મોતથી પરિવારમાં ઘેરો શોક : અકસ્માત સર્જનાર ડ્રાયવરને પણ ઇજા થતા હોસ્પિટલમાં દાખલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં જીવલેણ અકસ્માતો અટકાવવામાં પોલીસ સદંતર નિષ્ફ્ળ નીવડી હોય તેમ બેફામ દોડતા ડમ્પરને લીધે વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે જેમાં એક પરિવારનો લાડકવાયો છીનવાઈ ગયો છે બે દિવસ પહેલા હુડકો ચોકડી બ્રિજ પર કારખાનેદારનું અકસ્માતમાં મોત થયા બાદ ગત રાત્રે મોરબી રોડ પર ડમ્પરના ચાલકે પગપાળા જતાં 15 વર્ષના તરુણનું મૃત્યુ નિપજ્યું હતું અકસ્માત બાદ ત્યાંથી ભાગેલા ડમ્પરનું બેડી ચોકડી પાસે અન્ય ટેન્કર સાથે અકસ્મતા થતાં તેમાં ડમ્પર ચાલકને ઈજા પહોંચી હતી બી ડિવિઝન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રોડ પર અર્જુન પાર્ક પાસે ઝુંપડપટ્ટીમાં ભાઈ-ભાભી સાથે રહેતો વિજય ભીખાભાઈ વાજેલીયા ઉ.15 ગત રાત્રે તેની સાત વર્ષની ભત્રીજી સાથે નજીકમાં દૂધ લેવા ગયો હતો તે દૂધ લઈને પરત ઘરે જઈ રહ્યો હતો ત્યારે મોરબી રોડ પર પેટ્રોલપંપ પાસે ડમ્પરના ચાલકે તેને હડફેટે લેતા વિજયનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે તેની ભત્રીજીનો બચાવ થયો હતો અકસ્માત સર્જી ડ્રાયવરે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બેડી ચોકડી પાસે તેણે અન્ય ટેન્કર સાથે પણ અકસ્માત સર્જતા તેને ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ડમ્પર ચાલકનું નામ રાજેશનાથ કનુનાથ નાથબાવા ઉ.30 હોવાનું પોલીસે જણાવ્યું હતું બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
અકસ્માત સર્જનાર ડ્રાયવર ચાર બહેનોનો એકનો એક ભાઈ : ગંભીર
અકસ્માત સર્જનાર રાજેશનાથ કનુનાથ નાથબાવા કચ્છના રાપરના આરદેશણ ગામનો છે તે કચ્છથી ડમ્પરમાં કોલસો ભરી ગોંડલ ગયો હતો ત્યાં ગાડી ખાલી કરી પરત કચ્છ જતો હતો મોરબી જકાત નાકે અકસ્માત સર્જયા બાદ તેણે ડમ્પર પુર પાટ ઝડપે હંકારી મૂક્યું હતું અને બેડી ચોકડી પાસે ડમ્પર ટ્રક સાથે અથડાવ્યું હતું જેમાં તેને ગંભીર ઇજા થતા 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે બનાવની જાણ થતા કચ્છથી તેના પરિવારજનો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા પરિવારજનોની પૂછતાછમાં ઈજાગ્રસ્ત રાજેશનાથ 4 બહેનોનો એકનો એક મોટો ભાઈ છે સંતાનમાં બે દીકરા હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
મોરબી રોડ પર જકાતનાકા ચોક અકસ્માતોનું એપી સેન્ટર
રાજકોટનો મોરબી રોડ અકસ્માતોનું એપી સેન્ટર બની ગયો હોય તેમ વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે છેલ્લા લગભગ એક સપ્તાહમાં જ આ જગ્યાએ ત્રણ જેટલા જીવલેણ અકસ્માતો સર્જાયા છે થોડા દિવસો પૂર્વે પુત્રની સારવાર માટે જતા પરિવારને ડમ્પરના ચાલકે ઠોકરે લેતા બાળકનું જ મોત થયું હતું બે દિવસ પૂર્વે પણ અહીં જીવલેણ અકસ્માત સર્જાયો હતો અને ગત રાત્રે ફરી એક અકસ્માત પોલીસ ચોપડે નોંધાયો છે.



