પેઢીઓમાં દરોડા, મેળાઓમાં મૌન કેમ? : વાયરલ વીડિયાથી તંત્રની કામગીરી સામે સવાલ
શહેરના વિરાણી સ્કૂલ મેદાનમાં ચાલી રહેલા રોયલ મેળામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ થઈ રહ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મેળામાં વેચાતી ખાદ્યચીજોની ગુણવત્તા અત્યંત તકલાદી
અને જોખમી હોવાનું દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરની અનેક પેઢી અને એકમમાં આરોગ્ય વિભાગની ટીમ દરોડા પાડી તપાસ કરે તે સારી બાબત છે પરંતુ અનેક
મેળામાં પણ પીરસાતી ખાદ્ય ચીજોની પણ તપાસ કરવી જરૂરી છે.
- Advertisement -
વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોટેટો રિંગ તળવા માટે જે તેલનો ઉપયોગ થઈ રહ્યો છે તે ખાવાલાયક નહીં પરંતુ ડીઝલ જેવું કાળું ડિબાંગ અને ઝેરી જણાય છે. વારંવાર ઉકાળેલા અને બળી ગયેલા આ કાળા
મેશ તેલમાં તળાતી ચીજો લોકો અને ખાસ કરીને બાળકોના આરોગ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આવી અખાદ્ય ચીજવસ્તુઓ પીરસીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા સ્ટોલધારકો સામે ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક
દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવે તેમજ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ડીઝલ જેવા કાળા તેલમાં તળાતી ચીજવસ્તુઓ કેન્સર સહિતની ગંભીર બીમારીઓને નોતરે છે. ફૂડ વિભાગ તાકીદે ખાદ્યતેલના સેમ્પલ લઈને કસૂરવારો સામે કડક પગલાં ભરે તે અનિવાર્ય છે.




