આવાસ યોજનાના દસ્તાવેજની ફી વધારા પ્રશ્ર્ને બીજેપી લીગલ સેલની રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બીજેપી શહેર લીગલ સેલ તથા કોર્પોરેશનના પેનલ એડવોકેટોએ કમિશનરને ફી વધારા પ્રશ્ર્ને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેએ મધ્યસ્થિ કરી આ પ્રશ્ર્નનું નિરાકરણ કરાવ્યું હતું.
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના આવાસ યોજનાના દસ્તાવેજોની કામગીરી કરતાં 40થી વધુ એડવોકેટોને દસ્તાવેજ ફી વધારાની માગણી પ્રશ્ર્ને ભાજપ શહેર લીગલ સેલ સંયોજક પિયુષભાઈ શાહ, સહસંયોજક કમલેશ ડોડીયા તથા કોર્પોરેશનના પેનલ એડવોકેટોએ મ્યુનિ. કમિશનરને ફી વધારા પ્રશ્ર્ને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી અને આ પ્રશ્ર્ને શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેએ મધ્યસ્થિ કરી લીગલ સેલ સાથે રહીને મ્યુનિ. કમિશનરને રજૂઆત કરતાં મ્યુનિ. કમિશનર દ્વારા આવાસ યોજનાના દસ્તાવેજની ફી રૂપિયા એક હજાર હતી તે વધારીને રૂપિયા ત્રણ હજાર કરવા હુકમ કર્યો હતો.
નવ વર્ષ પહેલાં મ્યુનિ. કોર્પોરેશનની વિવિધ આવાસ યોજનાના દસ્તાવેજની કામગીરી કરવા માટે પેનલ એડવોકેટોને દસ્તાવેજ દીઠ વકીલ ફી રૂા. 1000 નિયમ કરાઈ હતી, પરંતુ જે તે વખતે દસ્તાવેજની કામગીરી ઓફલાઈન થતી હોય સરળતાથી અને ઝડપથી દસ્તાવેજની કામગીરી થઈ જતી હતી. ગત તા. 15 ઓગસ્ટ 2022થી રાજ્ય સરકાર દ્વારા દસ્તાવેજની તમામ કામગીરી જેવી કે ઓનલાઈન મિલ્કતની વિગત, એપોઈન્ટમેન્ટ, મિલકતની ઈન્ડેક્ષ, પક્ષકારોની માહિતી, નોંધણી ફી, ઈ-સ્ટેમ્પિંગ સહિતની તમામ કામગીરી ઓનલાઈન ફરજિયાત એડવોકેટો દ્વારા કરવાની થતી હોય, જેથી એક દસ્તાવેજની નોંધણીની કામગીરીમાં આશરે 3થી 4 કલાક જેટલો સમય થતો હોય છે, હાલના પ્રવર્તમાન સંજોગોમાં દસ્તાવેજ નોંધણીની કલાકોની કામગીરી સામે એડવોકેટ ફીનું ધોરણ નહીંવત પ્રમાણમાં હોય જે વધારવાની તાતી જરૂરિયાત છે.
- Advertisement -
શહેરના રેવન્યુ એડવોકેટો દ્વારા દસ્તાવેજ નોંધણીમાં ઓનલાઈન કામગીરી વધી જતાં ઓગસ્ટ 2022થી દસ્તાવેજની ફી મિનિમમ રૂા. 10,000 તેમજ ડેટા એન્ટ્રી રૂા. 1500 તથા ઓનલાઈન એપોઈન્ટમેન્ટ રૂા. 1000 નક્કી કરાયેલ, અને આ ફીના ધોરણ મુજબ રેવન્યુ ક્ષેત્રના એડવોકેટો દ્વારા આવાસ યોજના સિવાયના દસ્તાવેજમાં અસીલો પાસેથી આ ફી વસુલ કરાય છે. નવ વર્ષ પહેલાં સબરજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની કામગીરી ઓફલાઈન થતી હતી ત્યારે નિયત કરાયેલ ફી બરાબર હતી, પણ હવે દસ્તાવેજની ઓનલાઈન નોંધણીની તમામ કામગીરી એડવોકેટ દ્વારા કરવાની થતી હોય અને કામગીરી વધી ગયેલ હોય ફીનું ધોરણ વધારી દસ્તાવેજ દીઠ મિનિમમ ફી વધારો કરી આપવા રજૂઆત કરાઈ હતી.
આવાસ યોજનાના લાભાર્થીઓ સામાન્ય પરિવારમાંથી આવતા હોય તેઓની આર્થિક સ્થિતિ જોતાં વકીલોને યોગ્ય પ્રમાણમાં દસ્તાવેજ ફી મળી રહે તે પ્રમાણે દસ્તાવેજ ફીમાં વધારો કરવા શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેએ શહેર ભાજપ લીગલ સેલના હોદ્દેદારો સાથે રહીને મ્યુનિ. કમિશનરને રજૂઆત કરતાં તા. 2-9-25ના હુકમ કરી આવાસ યોજનાના દસ્તાવેજની ફી રૂપિયા ત્રણ હજાર કરવાનો હુકમ કર્યો હતો.
આ સફળ રજૂઆતમાં શહેર ભાજપ લીગલ સેલ સંયોજક પિયુષભાઈ શાહ, સહસંયોજક કમલેશ ડોડીયા, એડવોકેટ રાજેનસિંહ ઝાલા, ડી. ડી. મહેતા, વિજય ભટ્ટ, હેમેન્દ્ર જોષી, એન. જે. પટેલ, જે. આર. ફુલારા, વિરેન વ્યાસ, અજય ઠકરાર, હેતલબેન ખગ્રામ, નિશાબેન લુણાગરીયા, નીતાબેન અદાણી, માનસીબેન પરમાર, હિતેશ ગઢવી, ભાર્ગવ ચાવડા, હિતેશ મકવાણા, એ. આર. જોષી, હિતેશભાઈ દવે, જે. એચ. દવે, મુનિરાબેન સૈયદ, સરોજબેન, હિરલબેન જોષી વગેરે સાથે રહ્યા હતા.



