પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની છબીનું અનાવરણ કરવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત વિધાનસભાના 15મા સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી સહિત દિવંગત સભ્યો અને અમદાવાદની વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ શોકપ્રસ્તાવ દરમિયાન, મંત્રીઓ અને ધારાસભ્યોએ શોક વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા શ્રદ્ધાંજલિ: 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ સ્વ. વિજયભાઈ રૂપાણી, પૂર્વ મંત્રી સ્વ. શ્રીમતી હેમાબેન સૂર્યકાંત આચાર્ય, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ. ઇશ્વરસિંહ શિવાજી ચાવડા સહિત અન્ય દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપી હતી.
વિજયભાઈ રૂપાણીના યોગદાનને યાદ કરાયું: મંત્રી ભાનુબેન બાબરીયાએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને યાદ કરતા જણાવ્યું હતું કે, તેમણે કોર્પોરેટરથી લઈને મુખ્યમંત્રી સુધીની સફરમાં અનેક પડકારોનો સામનો કર્યો હતો. તેમણે મેયર તરીકે ’માનવી ત્યાં સુવિધા’ અને મુખ્યમંત્રી તરીકે ’નિર્ણાયકતા અને સંવેદનશીલતા’ પર ભાર મૂક્યો હતો. કોરોનાકાળ અને તાઉતે વાવાઝોડા જેવા કપરા સમયમાં તેમણે નોંધપાત્ર કામગીરી કરી હતી. આ ઉપરાંત, રાજકોટમાં અઈંઈંખજ, ન્યુ રેસકોર્સ અને એરપોર્ટ જેવા અનેક વિકાસલક્ષી કાર્યો તેમના નેતૃત્વ હેઠળ થયા હતા.
આ શોક પ્રસ્તાવ બાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા પોડિયમ ખાતે સ્વ. વિજયભાઈ રૂપાણીની છબીનું અનાવરણ કર્યું હતું. આ સમયે મંત્રી ભાનુબેન બાબરીયા સહિત મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યોએ સ્વર્ગસ્થ રૂપાણી સાહેબને ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.



