ગુજરાતમાં જળ સંચય જન ભાગીદારીથી જનઆંદોલન
મોડલ બની આખા દેશમાં ચાલી રહ્યું છે
રાજકોટમાં જળમંત્રી સી.આર.પાટિલના હસ્તે ગીરગંગા પરિવારના 12 હિટાચી મશીનનું લોકાર્પણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શનિવારે 12 જુલાઈ 2025ના રોજ કેન્દ્રીય કેબીનેટ અને જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલનીના હસ્તે ગીરગંગા પરિવાર ટ્રસ્ટને જેટકો, પી.જી.વી.સી.એલ. અને યુ.જી.વી.સી.એલ.ના સી.એસ.આર. ફંડમાથી જળસંચય કાર્ય માટે આપવામાં આવેલા 12 હિટાચી મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, જળસંચય થકી ગુજરાત, દેશ અને દુનિયામાં નવી ક્રાંતિ આવી છે. જળ સંચયના ભગીરથ કાર્ય થકી ખેડૂતોને પુરતા પ્રમાણમાં પિયતનું પાણી મળતુ થયુ છે અને જનજન સુધી પીવાનું પુરતું પાણી મળી રહ્યું છે. આ ઉપરાંત પાણીને રીયુઝ કરવાની પ્રકીયા થકી ઉદ્યોગોને પણ પુરતા પ્રમાણમાં પાણી મળી રહે છે. પ્રધાનમંત્રીએ જયારે ગુજરાતમાં જળસંચયની ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો ત્યારે ગીરગંગા પરીવાર પ્રથમ ગૠઘ હતું જેણે આમાં ભાગ લઈને આ ઝુંબેશને ખરા અર્થમાં સાર્થક બનાવી છે. આ ઝુંબેશને લીધે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં કોઈપણ જગ્યાએ પાણીની તકલીફ પડશે નહીં.
તેમજ દેશમાં વરસાદની કોઈ કમી નથી. એક એક પાણી નું ટીપું જમીન માં ઉતરવું જોઈએ. આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, લોકોને એમ થાય કે ડેમ બનાવવાથી આપણા દેશમાં પાણીની ક્ષમતા વધી જાય પરંતુ એક ડેમ બનાવવા વર્ષોનો સમય લાગે છે, એક ડેમ બનાવવા કરોડો કરતા વધુ ખર્ચ થાય છે ડેમનું કામ કરવા માટે ખેડૂતો સાથે જમીનોના સંપાદન પ્રશ્નો આવતા હોય છે અને હવનમાં હાડકા નાખવા માટે મેઘા પાટકર જેવા આવતા હોય છે. જળ સંચય એ જનભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ આજે જનઆંદોલન બની ગુજરાત મોડલ આખા દેશમાં ચાલી રહ્યું છે. જન ભાગીદારીથી જળ સંચય ક્ષેત્રે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ 1,11,111 સ્ટ્રકચર, નવા ચેકડેમ અને રેઇન વોટર હાર્વેસિ્ંટગ માટે કામ કરવા સંકલ્પ કર્યો છે માટે તેમને હું શુભેચ્છા આપું છું અને જનભાગીદારી થકી વધુને વધુ દાતા સેવાના આ કાર્યમાં જોડાય તેવી અપીલ કરું છું.
આ પ્રસંગે ગીરગંગા ટ્રસ્ટ પરિવારના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોધરા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો.દર્શીતાબેન શાહ અને ગીરગંગા ટ્રસ્ટના વિરાભાઈ હૂંબલ, જમાનભાઈ ડેકોર, પ્રતાપભાઈ પટેલ, શૈલેષભાઇ જાની તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



