60 ખેડૂતોએ કરેલું દબાણ દૂર કરવા તંત્રની કાર્યવાહી, ગામોમાં ફફડાટ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.26
પોરબંદર તાલુકાના મજીવાણા થી ખાંભોદર જતા જુના રાજાશાહી સમયના માર્ગ પર 60 ખેડૂતો દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા આ દબાણ હટાવવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ખેડૂતો દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણ દૂર ન થતા, આખરે ગઈકાલે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી હતી. ગઇકાલે તા. 25 માર્ચના રોજ મામલતદાર પોરબંદર ગ્રામ્ય અને નાયબ કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન વિભાગ) તથા પંચાયત ટીમની આગેવાની હેઠળ, પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર અને 2 જેસીબી મશીનની મદદથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આશરે 2 કિમી લાંબા જાહેર રસ્તા પર ખેડૂતો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યાં હતા.
- Advertisement -
દબાણ હટાવવાની કાર્યવાહીથી અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ
આ કામગીરી શરૂ થતાં આસપાસના દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કડક કામગીરી ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
7 મીટર પહોળો સીસી રોડ બનાવાશે
- Advertisement -
તંત્ર દ્વારા દબાણ દૂર કરી, મજીવાણા થી ખાંભોદર જતાં રોડને 7 મીટર પહોળો બનાવવાની યોજના ઘડવામાં આવી છે. હાલનો 3-3.5 મીટરનો સંકોચાયેલો રસ્તો ચોમાસામાં પાણીથી ભરાઈ જતો હતો, જેના કારણે ખેડૂતો અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આગામી સમયમાં સીસી રોડ બનતા ખેડૂતો માટે ખેતી કામે જવાનો માર્ગ સરળ બનશે.



