ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે ઉપર આવેલ મિતાણા ગામમાંથી નવા બનેલા ખોબા જેવડા પ્રભુનગર ગામના કરમણ ગાંડુ નામના માલધારીએ પરીવાર નિર્વાહ કરવા ઘર આંગણે દુઝાળા પશુઓ રાખી દુધનો ધંધો કરી રહ્યા હતા. આંગણે બાંધેલા પશુઓને રાબેતા મુજબ ગામડાની સીમમા ચારો ચરવા ખિલેથી છોડયા હતા. પાલતુ પશુ (ભેંસો) પણ સમજદાર હોય છે. ચારો ચરી સાંજ ઢળેએ પૂર્વે પોતાના ખિલે બંધાવા આવી જ જાય આ નિત્યક્રમ મુજબ બપોર ઢળી પરંતુ પોતાના આંગણેથી ગયેલી ભેંસો પરત વાડામાં ન આવતા કરમણ ભરવાડ ઢોરની તપાસમાં જતા ગામડાના પાદરમા આવેલા પાણીના ખાબોચીયામાં તેની ભેંસો તરફડીને મોતને ભેટી હોવાનું જણાઈ આવતા તપાસ કરતા પાણીમાં ઉપરથી પસાર થતા વીજ પ્રવાહમાંથી ક્યાંકથી વીજ કરંટ લાગતા પોતાની છ ભેંસો મોતને ભેટી હતી. બનાવથી હતપ્રભ થયેલા માલધારી પરીવારે વીજ તંત્રના પાપે આજીવિકા છીનવાઈ ગયાની રોકકળ કરી વીજ તંત્ર ને કોસી રહ્યા હતા. બનાવ અંગે ઘર આંગણાની દુઝાણી ભેંસોના મોતની રાવ ટંકારા પોલીસને કરાતા પોલીસે વીજ તંત્રને જાણ કરી હતી.
ટંકારા તાલુકાના મિતાણા ગામે પાણીના ખાબોચીયામા બેઠેલી ભેંસોના મોત અંગે ટંકારા વીજ તંત્ર ના જુનીયર એન્જીનિયર એ.ડી.ભુવાનો સંપર્ક કરતા તેઓએ ઘરેલુ પશુ ભેંસોના મોત ને પુષ્ટિ આપી જણાવ્યુ હતુ કે, પશુપાલકની છ ભેંસ ના વીજ કરંટથી મોત થયાના વાવડ મળતા સ્ટાફ સાથે સ્થળ તપાસ કરી હતી.



