વિદ્યાર્થીઓએ પ્રિસાઈડિંગ, પોલિંગ ઓફિસર અને સુરક્ષાકર્મીની ફરજ નિભાવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
જૂનાગઢ ચૂંટણીને લોકશાહીનો આધાર સ્તંભ ગણવામાં આવે છે, ચૂંટણી દ્વારા નાગરિકો પોતાના જનપ્રતિનિધિઓને શાસન કરવાની સત્તા સોંપે છે. ત્યારે દેશનું ભવિષ્ય છે તેવા વિદ્યાર્થીઓ લોકશાહીના મૂલ્યો અને પદ્ધતિ આત્મસાત કરે તે માટે જિલ્લામાં રચનાત્મક અભિગમ સાથે જિલ્લાની પ્રાથમિક શાળામાં ચુનાવ કી પાઠશાળા એવમ બાળ સંસદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાની 485 જેટલી પ્રાથમિક શાળામાં ચુનાવ કી પાઠશાળા એવમ બાળ સંસદ યોજાઈ ચૂકી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં લોકશાહીના મહાપર્વમાં દરેક મતદારો મતદાન કરી સહભાગી બને તે માટે જઠઊઊઙ અંતર્ગત જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. તેમ જણાવતા જઠઊઊઙના નોડલ અધિકારી લતાબેન ઉપાધ્યાય જણાવે છે કે, દેશની ભાવી પેઢી એવા વિદ્યાર્થીઓ લોકશાહી શાસન પ્રણાલી અને ચૂંટણી પ્રક્રિયાથી સુપેરે અવગત થાય તે માટે ચુનાવ કી પાઠશાળા એવમ બાળ સંસદ જિલ્લાની પ્રાથમિક શાળામાં યોજવામાં આવી રહી છે. જેમાં હૂબહૂ રીતે વિદ્યાર્થીઓ દ્વારા એક મતદાન મથક તૈયાર અને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
આ ચુનાવ કી પાઠશાળામાં વિદ્યાર્થીઓમાંથી જ મતદાન મથક પરના જુદા જુદા અધિકારીઓ એટલે કે પ્રિસાઇડિંગ, પોલિંગ-1 અને પોલિંગ ઓફિસર બને છે. ઉપરાંત જેમ કોઈ મતદાન મથક પર સુરક્ષાકર્મીઓ, એજન્ટ વગેરે હોય છે. તેમ શાળાના વિદ્યાર્થીઓ ચૂંટણી ફરજ પરના અધિકારી -કર્મચારીની ભૂમિકા ભજવે છે.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જ મતદાતા બને છે, મતદાતાઓની એક મતદાન મથક બહાર જેમ કતાર હોય તેમ વિદ્યાર્થીઓ મતદાન કરવા માટે એક કતારમાં ઉભા રહે છે. સુરક્ષાકર્મીઓ જરૂરી તપાસણી કર્યા બાદ મતદારોને મતદાન મથક અંદર પ્રવેશ આપે છે. ત્યારબાદ મતદાન કરવા માટેની અન્ય જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. મતદાન કર્યાનુ આંગળી પર બલ્યુ ટીક પણ કરવામા આવે છે. ચુનાવ કી પાઠશાળામાં મતદાન માટે શિક્ષકોની મદદથી વિદ્યાર્થીઓએ મત કુટીર, મત પેટી અને મત પત્ર બનાવી, મતદાનની પ્રક્રિયા કરવામાં આવે છે. તો જિલ્લાની કેટલીક શાળાઓમાં મતદાન માટે મોબાઈલમાં ઇવીએમ મશીનની એપ્લિકેશન આધારે મતદાન માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી.