ચૂંટણી પંચ દ્વારા 50,000થી ઉપર રૂપિયા સાથે રાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેને લઈ રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ શરૂ કરાયું છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
- Advertisement -
આગામી લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે જે અનુસંધાને આચારસંહિતા લાગુ થતાંની સાથે જ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ શહેર અને જિલ્લામાં જાહેર સ્થળો, સરકારી બસો,સરકારી ઈમારતો, વગેરે સ્થળેથી સરકારી જાહેરાતોવાળા પોસ્ટર, બેનરો તથા દિવાલો પરના લખાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી છે. આ સાથે ચૂંટણી પંચ દ્વારા 50,000થી ઉપર રૂપિયા સાથે રાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.જેને લઈ રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ચેકીંગ શરૂ કરાયું છે. આજરોજ શહેરના બહુમાળી ભવન ખાતે પોલીસ દ્વારા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પી.એસ.આઈ. એસ. બી. ધાસુરા, વી. એ. પરમાર અને આર. એસ. પરમાર સહિતની પોલીસ ટીમ હાજર રહી બહુમાળી પાસેથી પસાર થતાં તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ કેટલીક કારના કાચમાં લાગેલી બ્લેક ફ્રેમ પણ પોલીસે ઉતારી લીધી હતી. વધુમાં કારમાં રોકડ રકમ તેમજ અન્ય બિનકાયદેસર વસ્તુઓ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આચારસંહિતા લાગી ગઈ છે. ત્યારે આ ચૂંટણીલક્ષી રોકડ વ્યવહાર અને રોકવા માટે શહેર પોલીસ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ નિયત રકમ કરતા વધુ રકમ સાથે પકડશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.અને રૂપિયા ક્યાંથી આવ્યા તેનો પણ ખુલાસો આપવો પડશે. જેને પગલે આજ રોજ રાજકોટના અનેક વિસ્તારમાં સર્વલન્સ ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને પોલીસ દ્વારા ફોરવિલ ગાડીઓની ચેકિંગ પર વધારે ધ્યાન અપાઈ રહ્યું છે.
- Advertisement -
લોકસભાની ચૂંટણી દરમિયાન વાહનોમાં મોટી માત્રામાં રૂપિયાની હેરાફેરી કરવામાં આવતી હોય છે ત્યારે રોકડ રૂપિયાની હેરાફેરી ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ચૂંટણી દરમિયાન ઉમેદવાર દ્વારા જે રૂપિયા ખર્ચવામાં આવે છે તેના ઉપર પણ ચૂંટણી પંચ વિશેષ નજર રાખતી હોય છે. ઘણી વખત ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવતી હોઈ છે. જેને રોકવા અને પકડી પાડવા પોલીસની ટીમ કામે લાગી છે અને શહેરમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.