વાંકાનેરના શખ્સે હંગામી નોકરીના બહાને પૈસા પડાવ્યાની ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં એક યુવકને રેલવેમાં સફાઇનો કોન્ટ્રાક્ટ અપાવવાનું કહી ટેન્ડરના નામે તેની પાસેથી વાંકાનેરના શખ્સે રૂ.5,74,200 પડાવ્યા હતા તો અન્ય ચાર યુવકને રેલવેમાં નોકરી અપાવવાનું કહી નાણાં ખંખેર્યા હોય 6,97,100ની છેતરપિંડી મામલે અંતે વાંકાનેરના ગઠિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
- Advertisement -
રાજકોટના જૂના માર્કેટિંગયાર્ડ પાસેની માલધારી સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતાં કલ્પેશ દીપકભાઇ જોષી ઉ.25એ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા રૂષિત અરવિંદ વ્યાસ સામે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.18 ડિસેમ્બર 2024ના પોતે તથા પાડોશમાં રહેતા મિત્રો બેઠા હતા ત્યારે મિત્ર આશુતોષ પરમારે કહ્યું હતું કે, સ્મિત વ્યાસના સંબંધી રૂષિત વ્યાસ કે જે અગાઉ રેલવેમાં કોન્ટ્રાક્ટબેઇઝ પર નોકરી કરતો હતો તે રેલવેમાં કોન્ટ્રાક્ટ પર નોકરી પર રખાવે છે અને સફાઇના કોન્ટ્રાક્ટ પણ અપાવે છે. રેલવેમાં સફાઇનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે કલ્પેશ જોષીને ઇચ્છા થતાં તેણે રૂષિતનો સંપર્ક કરતાં રૂષિત વ્યાસે ટેન્ડર જોઇતું હોય તો રૂ.45 હજાર થશે તેમ કહેતા કલ્પેશે એ જ સમયે રૂ.22 હજાર ઓનલાઇન આપી દીધા હતા અને બાકીની રકમ રૂષિતે જ બાદમાં આપવાનું કહ્યું હતું. કલ્પેશે કટકે કટકે કુલ રૂ.5,74,200 ચૂકવ્યા હતા. પરંતુ તેને રેલવેની સફાઇનો કોન્ટ્રાક્ટ મળ્યો નહોતો કલ્પેશે વધુ તપાસ કરતાં રૂષિત વ્યાસે રેલવેમાં કોન્ટ્રાક્ટ પર નોકરી અપાવવાનું કહી સ્મિત પાસેથી રૂ.12 હજાર, આશુતોષ પાસેથી રૂ.12960, દિલીપ પાસેથી રૂ.8290 અને સુનિલ પાસેથી રૂ.89650 પડાવ્યા હતા. આમ વાંકાનેરના રૂષિતે કોન્ટ્રાક્ટ અને હંગામી નોકરી અપાવવાની લાલચ આપી કુલ રૂ.6,97,100ની છેતરપિંડી આચરી હતી.