ત્રણ મૃતદેહ શનિવારે સાંજે મળી ગયા હતા, ચોથો મૃતદેહ 22 કલાક બાદ રવિવારે બપોરે મળ્યો
એક યુવક ન્હાવા પડ્યો, તેને બચાવવા જતા અન્યના પણ મોત નીપજ્યા : પરિવારમાં ભારે કલ્પાંત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં શનિવારે સાંજે આજી ડેમમાં પિતા, બે પુત્રો સહિત ચાર લોકો ડૂબી ગયા હતા પ્રથમ એક વ્યક્તિ ન્હાવા પડતા ડૂબી ગયો અને તેને બચાવવા ગયેલા બીજા ત્રણ વ્યક્તિ પણ ડૂબી ગયા હતા. આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી શનિવારે પ્રથમ 3 મૃતદેહ મળી આવ્યા હતા જયારે ચોથો મૃતદેહ 24 કલાક બાદ રવિવારે મળ્યો હતો.
આ ઘટના અંગે રાજકોટ શહેર ઝોન 1ના ડીસીપી હેતલ પટેલે જણાવ્યું કે, રિક્ષા ચલાવતા ભરતભાઈ જાદવ ઉ.42 શનિવારે તેમના બે પુત્રો રોહિત ઉ.21 અને ધવલ ઉ.17 તથા સાળીના દીકરા ધ્રુવ મકવાણા ઉ.15 સાથે આજી ડેમ પાસે ત્રંબા જતા રોડ ઉપર આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન માટે ગયા હતા. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે, માતાજીના મંદિરે દર્શન કર્યા પછી આ ચારેય લોકો રિક્ષામાં આજી ડેમના કાંઠા સુધી પહોંચ્યા હતા કાંઠા પાસે રીક્ષા પાર્ક કરી હતી. પહેલાં રોહિત આજી ડેમના પાણીમાં હાથ પગ ધોવા કે ન્હાવા માટે ગયો હતો.
તે પાણીમાં અંદર જતા અચાનક ડૂબવા લાગ્યો હતો. રોહિતને ડૂબતો જોઈ તેને બચાવવા માટે એક બાદ એક લોકો પાણીમાં પડ્યા અને પછી ચારેય આજી ડેમના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા પ્રાથમિક તપાસમાં ભરતભાઈ અને તેના પુત્રો રાજકોટના ઘાંચીવાડમાં રહેતા હતા જ્યારે ભાણેજ ધ્રુવ મકવાણા રાજકોટના ન્યારા નજીક આવેલ ખંભાળા ગામે રહેતો હતો. આ બનાવથી મૃતકોના પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો. સમગ્ર બનાવવાની જાણ થતા તાત્કાલિક અસરથી રાજકોટ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ, આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ હરેશ પટેલ, તેમજ ડીસીપી ઝોન 1ની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળ ખાતે પહોંચી હતી શનિવારે સાંજના સાત વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ચાર પૈકી ત્રણ વ્યક્તિના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે ભરતભાઈના દીકરા રોહિત જાદવની શોધખોળ કરતા શનિવારે લાશ મળી આવી નહોતી.
રવિવારે સવારે રોહિતની શોધખોળ માટે રાજકોટના ઘંટેશ્વર એસઆરપી 13 કેમ્પ ખાતેથી ખાસ એસડીઆરએફની ટુકડી બોલવાઈ હતી. જેમાં પીઆઇ એમ.એ. કોટડીયા અને પીએસઆઈ આર.એ. ચુડાસમાની આગેવાની હેઠળ તેમની ટીમ દ્વારા આધુનિક બોટ સહિતની સાધન સામગ્રી વડે શોધખોળ કરતા 22 કલાક બાદ બપોર સુધીમાં રોહિતની લાશ મળી આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જિલ્લા ગાર્ડન ચોક પાસે આવેલા ઘાંચીવાડમાં રહેતા અને જંગલેશ્ર્વરમાં સિંગનું કારખાનું ચલાવતા ભરતભાઈ પાસે રિક્ષા હતી. તેમને ત્રણ પુત્રો રોહિત, ધવલ તથા કેવલ પોતે ત્રણ ભાઈમાં નાના હતા. ભરતભાઈના પરિવારમાં હવે માત્ર તેમના પત્ની અને એક સાત વર્ષનો પુત્ર જ રહ્યા છે.
પરિવારનો માળો વિખાઈ ગયો છે રોહિત તેના માતા પિતાનો મોટો પુત્ર હતો. તે પોતાના પિતાને સિંગના કારખાનામાં મદદરૂપ થતો હતો. આ બનાવવામાં તેના પિતા ભરતભાઈ અને ધવલનું પણ ડૂબી જતા મોત થયું છે રાજકોટ નજીક પડધરી તાલુકાના ન્યારા ગામ પાસેના ખંભાળામાં રહેતો ધ્રુવ ધોરણ નવમાં અભ્યાસ કરતો હતો.
તેનું ધોરણ નવનું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયું અને તે હવે દસમા ધોરણમાં આવવાનો હતો વેકેશન પડતા તે પોતાના માસી – માસા(ભરતભાઈ)ના ઘરે ત્રણ દિવસ પહેલા આવ્યો હતો તે બે ભાઈમાં મોટો હતો. સગીરના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.



