છેલ્લાં 25 દિવસમાં 4 બાળકો પર જીવલેણ હુમલો થતાં ગામમાં ફફડાટ સ્થાનિકોએ કહ્યું- ‘અમને સિંહથી નહીં, શ્ર્વાનથી ડર લાગે છે’
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં હિંસક શ્ર્વાનોનો આતંક યથાવત છે. આજે 4 શ્ર્વાનોએ એક બાળક પર હિંસક હુમલો કર્યો હતો. શ્ર્વાનોએ બાળકને ફાડી ખાતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. છેલ્લા 20 થી 25 દિવસમાં બાળકો પર શ્ર્વાનના હુમલાનો આ ચોથો બનાવ છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જણાવી રહ્યા છે કે, ’અમને સિંહથી નહીં પણ શ્ર્વાનથી ડર લાગે છે’. આજની ઘટના વડિયા તાલુકાના ખાન ખીજડિયા સીમ વિસ્તારમાં બની હતી. પ્રફુલ બોરડના ખેતરમાં કામ કરતા મજૂર મગન બારૈયાના 7 વર્ષીય પુત્ર રોમિત પર શ્ર્વાનોના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે, રોમિતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી પરિવારમાં હાલ શોકનો માહોલ છવાયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં 4 થી 5 હિંસક શ્ર્વાનોનું ટોળું સક્રિય છે, જે સતત નાના બાળકોને નિશાન બનાવી રહ્યું છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં ચાર બાળકો પર જીવલેણ હુમલા થયા છે, જેમાંથી કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આજે એક બાળકનું મોત થયું છે.
ખેડૂત જયેશ હીરપરાએ જણાવ્યું કે, અમારા ગામમાં સિંહ-દીપડા છે, એની અમને બીક નથી લાગતી. પણ આ ચાર-પાંચ કૂતરા છે તેનાથી વધુ ડર લાગે છે. છેલ્લા 20 દિવસમાં શ્ર્વાનોએ બે છોકરાઓને ફાડી ખાધા છે અને બે છોકરાઓને તો સાવ મારી નાખ્યા છે. એટલે અત્યારે સીમમાં જવા જેવું રહ્યું નથી. સરકાર પાસે અમારી એટલી માંગ છે કે, આ શ્ર્વાનોનું વહેલાસર કંઈક નિરાકરણ લાવો. ગામમાં બહુ ડર લાગે છે. મજૂર તો અત્યારે કોઈ આવવા રાજી નથી. અમારે બાળકોને સ્કૂલે આમાં કેવી રીતે મોકલવા? શ્ર્વાનો હાલ માનવભક્ષી બની ગયા છે.
ખેડૂત અરજણ હીરપરાએ જણાવ્યું હતું કે, ‘પહેલાં પણ બે બાળકો પર હુમલા થયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. આજે આ ચોથો બનાવ છે, જેમાં મજૂરના બાળકને શ્ર્વાનોએ ફાડી ખાધું છે. હવે વાવણીનો સમય છે અને શાળાઓ પણ શરૂ થશે, ત્યારે ખેડૂતો, મજૂરો અને બાળકો કેવી રીતે ખેતરોમાં કે શાળાએ જઈ શકશે? તેમણે સરકારને તાત્કાલિક આનો ઉપાય કરવા અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે ઉમેર્યું કે, સિંહ અને દીપડાની પણ આટલી બીક નથી જેટલી આ શ્ર્વાનોની છે.
બાળકના પિતા મગનભાઈએ જણાવ્યું કે, હું ખેતરમાં પાણી વાળતો હતો. પવનનો અવાજ આવતો હોવાથી મને કંઈ ખબર ન પડી. જ્યારે મેં જોયું તો મારી છોકરી ત્યાંથી ભાગીને આવી અને ટીપણ પાછળ સંતાઈ ગઈ. કૂતરાઓએ મારા 7 વર્ષના દીકરા રોમિતને પકડી લીધો હતો અને તેને મારી નાંખ્યો.
ખેડૂત ઘનશ્યામ ટોળિયાએ જણાવ્યું હતું કે, શ્ર્વાનનો ખુબ ત્રાસ છે. સરકાર આનો કંઈક ઉપાય કરે એવી માંગણી છે. શ્ર્વાનોનો બહુ જ લાગે છે. મજૂર પણ હવે રહેવા તૈયાર નથી. જો મજૂર નહીં રહે તો ખેડૂને કામ કેમ કરવું? ખેતીનું કામ કોણ કરશે?



