26 વર્ષના લબરમૂછિયા યૂટ્યુબરે હોલિવૂડ હલાવ્યું ‘ઓબ્સેશન’ની સુનામીએ સારી-સારી ફિલ્મો પાડી દીધી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
- Advertisement -
આજકાલ દુનિયાભરના બોક્સ ઓફિસ પર એક એવી હોલિવૂડ હોરર ફિલ્મનો ખૌફ જોવા મળી રહ્યો છે, જેણે મોટા સુપરસ્ટાર્સ, દિગ્ગજ ડિરેક્ટર્સ અને કરોડોના બજેટવાળી ફિલ્મોના ઘમંડને ચૂર-ચૂર કરી નાખ્યો છે. આ ફિલ્મનું નામ છે ‘ઓબ્સેશન’. કોઈ મોટા લાઉડ પ્રમોશન વગર રિલીઝ થયેલી આ ફિલ્મે ગ્લોબલ બોક્સ ઓફિસ પર એવી સુનામી આણી છે કે મોટા-મોટા ટ્રેડ પંડિતો પણ મોંમાં આંગળા નાખી ગયા છે. આ ફિલ્મનું બજેટ ભારતમાં સુપરહિટ સાબિત થયેલી ફિલ્મ ‘સ્ત્રી’ (2018) ના બજેટ કરતાં પણ અડધાથી ઓછું છે, પરંતુ તેની કમાણી હોલિવૂડના મોટા પ્રોડક્શન હાઉસને આંખો બતાવી રહી છે. માત્ર વિદેશમાં જ નહીં, ભારતમાં પણ આ ફિલ્મે ગત વીકેન્ડમાં અક્ષય કુમાર સહિતના તમામ બોલિવૂડ સ્ટાર્સની ફિલ્મોને ધૂળ ચટાડી દીધી છે.
માત્ર 26 વર્ષના યુવા ડિરેક્ટર કેરી બાર્કર દ્વારા નિર્દેશિત સુપરનેચરલ હોરર ફિલ્મ ‘ઓબ્સેશન’ વર્ષ 2026ની સૌથી મોટી સક્સેસ સ્ટોરી બની ગઈ છે. અંદાજે 750,000થી 1 મિલિયન ડોલર (ભારતીય ચલણમાં આશરે ₹10 કરોડ). 2018માં આવેલી બોલિવૂડ ફિલ્મ ‘સ્ત્રી’નું બજેટ ₹20 થી ₹30 કરોડ હતું. જ્યારે તાજેતરમાં આવેલી લો-બજેટ ફિલ્મ ‘લાપતા લેડીઝ’નું બજેટ પણ ₹11 કરોડ હતું. એટલે કે ‘ઓબ્સેશન’ આ બધી ફિલ્મો કરતાં સસ્તી બની છે. ડિરેક્ટર કેરી બાર્કરે પોતાની કરિયરની શરૂઆત યૂટ્યુબ વીડિયો અને શોર્ટ ફિલ્મો બનાવીને કરી હતી. આ ફિલ્મમાં લીડ રોલ પ્લે કરનાર માઈકલ જોન્સ્ટન અને ઈન્ડી નવેરેત્તી પણ કોઈ મોટા સ્ટાર નથી, તે ટીવીમાંથી ફિલ્મોમાં આવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.



