રાજકોટ LCBએ જૂના યાર્ડના પુલ ઉપર વૉચ ગોઠવી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
- Advertisement -
શહેરમાં દારૂ જૂગારના કેસો કરવાની સૂચના અન્વયે એલસીબી પીએસઆઇ બી. વી. બોરીસાગર અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રવિરાજભાઇ પટગીર અને દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળતાં જુના માર્કેટ યાર્ડના પુલ ઉપર વોચ ગોઠવી જીજે11ટીટી-5130 નંબરની બોલેરો પીકઅપ ગાડી નીકળતાં તેને આંતરી તલાસી લેતાં શાકભાજીના ખાલી કેરેટ જોવા મળ્યા હતાં.
આવા ત્રીસ કેરેટ દૂર હટાવતાં નીચેથી રૂા. 76800ના 180 એમએલના વોડકાના 768 ચપલા તથા રૂા. 1,08,000ની ઓફિસર ચોઇસની 750 એમએલની 216 બોટલો મળી આવતાં કબ્જે કરી હતી.
પોલીસે જામનગર રોડ પરાપીપળીયાના વસીમ સિકંદરભાઇ દારૂવાલા તથા હાથીખાનાના ઇદ્રીશ ઉર્ફ મયુર અયુબખાન જલવાણીની ધરપકડ કરી દારૂ, ગાડી, મોબાઇલ, શાકભાજીના કેરેટ સહિત 4.98 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો પ્રાથમિક પુછતાછમાં બંનેએ રટણ કર્યુ હતું કે રાજસ્થાન બોર્ડર નજીક રાધનપુર ખાતે ખાલી ગાડી અને કેરેટ લઇને જતાં ત્યાંનો એક જયુ નામનો શખ્સ આ ખાલી ગાડી લઇ જતો હતો અને દારૂ ભરીને પાછી આપતો હતો. અગાઉ પણ આ રીતે એક ખેપ મારી હોવાનું બંનેએ રટણ કર્યુ હતું. જો કે બીજી ખેપમાં દારૂ રાજકોટ પહોંચાડી છુટક વેંચાણ કરે એ પહેલા પોલીસે દબોચી લીધા હતાં. બંનેની કબુલાતમાં કેટલુ તથ્ય છે? તે સહિતની વિગતો જાણવા રિમાન્ડની તજવીજ થઇ રહી છે.