કાર્તિક મહેતા : કાર્તિકોલોજી
શાસ્ત્રીય સંગીતના જલ્લોષમાં (હા ભાઈ જલસામાં) કે ભજનના કાર્યક્રમોમાં મોટેભાગે જે પ્રથમ રાગ ગવાય તે હોય છે રાગ કલ્યાણ..
રાગ કલ્યાણમાં પણ મહદંશે જે ગવાય તે હોય છે શ્રીગણેશ સ્તુતિ…
રાગ કલ્યાણના અધિષ્ઠાતા દેવ ગણપતિ મહારાજ કહેવાય છે..
કલ્યાણ રાગ હળવો છે, શાંતિ દેનાર છે, કલ્યાણકારી છે.. ભજનોના કાર્યક્રમ પણ ધીમે રાગે ને હળવી હલકે શરૂ થાય છે..
લગ્ન હોય કે વ્યાપાર.. બધે પ્રથમ પહેલા તો ગણપતિનું સ્મરણ અનિવાર્ય છે..
પરથમ ગણેશ બેસારો રે, મારા ગણેશ દુંદાળા… એવું લગ્નગીત આજના તાયફા અને ભવાડા છાપ લગ્ન સમારંભોના સમયમાં પણ જીવતું છે તે આશ્વાસન લેવાય એવી વાત છે.. આ લોકગીત અનુસાર ગણેશજીને શ્રીકૃષ્ણની જાનમાં બોલાવ્યા નહિ એટલે જાનને વરસાદ અને તોફાનનો સામનો કરવો પડ્યો.. આથી છેવટે વિનાયક એવા ગણેશની સ્થાપના કરીને એમને રિઝવવામાં આવ્યા હતા..
વ્યાપારી વળી શ્રીગણેશાય નમઃ લખીને જ ચોપડા લખવાનો પ્રારંભ કરે..
પુરાણોમાં ગણપતિની ઉત્પત્તિની અનેક ભિન્ન- ભિન્ન કથાઓ છે .. પણ પાર્વતીના શરીરના મેલથી બનેલી મૂર્તિ થકી ગણપતિ બન્યા તે કથા અતિ પ્રચલિત છે..
ભાદરવા મહિનામાં ગણેશ પૂજનનો મહિમા ગ્રામીણ ભારતમાં ઘણો જૂનો જોવા મળે છે.. ગાયના ગોબર થી બનેલ ગણેશ મૂર્તિને પધરાવીને એને સમય જતા ફરી પાણીમાં વિસર્જિત કરવાનું ચલણ ગામોમાં હતું. .
પણ બીજા કોઈ દેવ નહિ ને ગણેશ જ કેમ ગોબરના બને તે વિચારવું રહ્યું.
ગણેશજી મૂળાધાર ચક્રના દેવતા છે. મૂલાધાર ચક્ર એના નામ અનુસાર સૃષ્ટિના મૂળ રૂપ ચક્ર છે.. ત્યાં જ માતા શક્તિ ત્રણ કુંડલી મારીને નાગ સ્વરૂપે બેઠેલ છે એવું સુંદર અને ગૂઢ એવું રૂપક છે.. આ શક્તિને એટલે કુંડલિની શક્તિ કહેવાય છે.
એને માતા સ્વરૂપ માનવામાં આવે છે. આ શક્તિ શરીરની કરોડ રજ્જુ માં રહેલી ચેતાઓમા વહીને છેક મસ્તિષ્ક સુધી પહોંચે એને કહેવાય યોગ !! કરોડ રજ્જુ ના મણકાને કહ્યો હિમાલય પર્વત અને એની પુત્રી આ શક્તિ એટલે પાર્વતી!
હિમાલયની પર્વતમાળામાં ટોચે આવેલ મસ્તિષ્ક નામનાં કૈલાસ પર્વત ઉપર શિવ વસે છે. છેક ઉપર , મગજની અંદર ગણવામાં આવતું સહસ્ત્રાર ચક્ર શિવનું ચક્ર ગણાય છે.
તંત્ર માર્ગમાં ગાણપત્ય નામનું એક વિશિષ્ટ તંત્ર આવે છે..
પહેલા ચક્રના દેવતા પણ પહેલા યાદ કરવા પડે.. મૂળાધાર ચક્ર મજબૂત હોય તો જ બાકીના ચક્ર મજબૂત થઈ શકે. નબળા મૂળાધાર ચક્ર સાથે કદી કોઈ કાર્ય , કોઈ પૂજા, કોઈ આરાધના, કોઈ સેવા સફળ થઈ શકે નહિ.. .
દરેક જાતિ , દરેક પંથના લોકોએ ગણપતિને પૂજ્યા કે સ્મર્યા છે. એક યુગમાં પારસી લોકોના લગ્નગીતોમાં પણ ગણપતિ દેવને યાદ કરવામાં આવતા!!
સરસ્વતી સ્વામીને વિનવું સાએલરી રે,
અને ગણપત લાગવું પાય, પતોતરી રે!
બીજી બાજુ ગુપ્ત રીતે ચાલતા મહાપંથ કે બીજમાર્ગ સમુદાયોમાં ય અનેક અનેક ગણપતિ સ્તવન અને ભજનો રચાયા છે, ગવાયા છે.. એમાંથી ઉપજેલ દાદુપંથ અને કબીર પંથ ગણપતિને ગુણપતિ કહે છે. ગુણપતિ અર્થાત્ ગુણોના ભન્ડાર, ગુણોના અધિપતિ..
ગણપતિ સર્વમાન્ય રીતે વિઘ્ન નાશક છે. જેનું મૂળાધાર સ્ટ્રોંગ છે તેને વિઘ્નો પરેશાન કરતા નથી, નડતા નથી.. ગણપતિ મૂળાધાર ચક્રના દેવતા છે.. અર્થાત્ જેનો કોઠો સાફ છે, સ્ટ્રોંગ છે , એના વિઘ્નો આપોઆપ નાશ થાય છે.
આવી ઊંચી ને ઊંડી સમજણ અને એનાથી પ્રગટેલા દેવતાને આજે આપણે શું બનાવી બેઠા??
ઓ માય ફ્રેન્ડ ગનેશા ??
અરે, દુર્બુદ્ધિ! ગણેશ તો બોલ !
લોર્ડ ગણેશા? શું ગણેશજી ઇંગ્લેન્ડના કોઈ જમીનદાર કે ઉમરાવ છે કે એને લોર્ડ કહેવાના હોય ?
ગણેશ તો સૃષ્ટિના મૂળ રૂપ કાર્ય (ભોજન અને ઉત્સર્જન) સાથે સંકળાયેલા દેવ!
એની ઉજવણી ધૂમધામ થી નહિ, શાંત રીતે કરવાની હોય! લેખના પ્રારંભમાં જ કહ્યું કે ગણપતિ દેવનો પ્રિય રાગ કલ્યાણ શાંત, ધીમો અને થાક હરવા વાળો છે.. ધમાલ અને ઉત્તેજના કરવા વાળો નથી.
ગણપતિ તો મોટા કાન વાળા છે, એને હ્રદયનો નાદ પણ સંભળાઇ જાય છે. તો એને ડીજે ના કે નાસિક ઢોલના કર્કશ ઘોંઘાટ સંભળાવીને એની અવમાનના શુકામ કરો છો?
હિંદુ તહેવારોની પાછળના શુભ અને મહાન ઉદ્દેશ્યોને ભૂલીને મૂર્ખ અમેરિકનોની જેમ બધી વાતે ડોલવું, દારૂ પીવો અને ધાંધલ ધમાલ કરવી એ બતાવે છે કે હિંદુ સમાજમાં મૂળાધાર ચક્ર અત્યંત નિર્બળ બન્યું છે.. જેને મૂળાધાર સ્ટ્રોંગ છે , એને બહારથી આનંદ નથી શોધવો પડતો.
પ્રાણીઓમાં મૂળાધાર સ્ટ્રોંગ હોવાને લીધે તેઓ અત્યંત વિપદાઓ વચ્ચે જીવતા હોવા છતાં કદી ડિપ્રેશન માં નથી જતા કે નથી આત્મહત્યા કરતા !
ગણપતિ મહારાજને નામે ધાંધલ ધમાલ અને ધંધો કરી લેવાની વૃત્તિ આત્મઘાતી છે.. ગણપતિ દેવ સદ્બુદ્ધિ આપે.




