નાયબ મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓએ સતત ફિલ્ડમાં રહીને સઘન ચકાસણી હાથ ધરી
શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાના ઉદ્દેશ સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાન હેઠળ ત્રણેય ઝોનમાં સઘન સફાઈ ચેકિંગ અને મોનિટરિંગ ઝુંબેશ તેજ કરવામાં આવી છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત ફિલ્ડમાં ઉતરીને ગ્રાઉન્ડ ઝીરો પર સ્વચ્છતા કામગીરીનું સીધું નિરીક્ષણ કરી રહ્યા છે.અભિયાન અંતર્ગત અધિકારીઓની ટીમો દ્વારા શહેરના જાહેર સ્થળો, મુખ્ય માર્ગો, બજારો તેમજ ખાસ કરીને ખાણી-પીણીના એકમો અને લારી-ગલ્લાઓ ખાતે દિવસ તેમજ રાત્રિ દરમિયાન સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન દુકાનદારો કચરાપેટીનો ઉપયોગ કરે છે કે નહીં, કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા છે કે નહીં તેમજ આસપાસના પરિસરમાં ગંદકી ફેલાયેલી છે કે કેમ તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. નિયમભંગ કરનારા ધંધાર્થીઓને સ્થળ પર જ કડક સૂચનાઓ આપીને આસપાસનો વિસ્તાર સાફ-સુથરો રાખવા તાકીદ કરવામાં આવી છે. જ્યાં પણ ક્ષતિ જણાય ત્યાં તાત્કાલિક સફાઈ કામગીરી પણ કરાવવામાં આવી રહી છે.બીજી તરફ, મનપા દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ પ્રવૃત્તિઓ પણ સમાંતર રીતે ચલાવવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો ‘સ્વચ્છતા સંકલ્પ પત્ર’ ભરીને સ્વચ્છતા જાળવવા અને અન્ય લોકોને પ્રેરિત કરવા માટે આગળ આવી રહ્યા છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરીજનોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા, ભીનો અને સૂકો કચરો અલગ રાખવા તેમજ શહેરને સ્વચ્છ રાખવાના આ મહાઅભિયાનમાં સક્રિય સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.




