ડૉ. શરદ ઠાકર : મોર્નિંગ મંત્ર
જાપાનમાં ‘ઓકિનાવા’ નામનો એક પ્રાંત છે. વિશ્વના સૌથી વધુ સંખ્યામાં શતાયુ લોકો આ પ્રાંતમાં રહે છે. વૈજ્ઞાનિકોએ સર્વે કરીને શોધી કાઢ્યું કે સો વર્ષથી વધારે જીવનારા આ તમામ માણસોમાં પાંચ બાબતો સર્વ-સામાન્ય હતી. અત્યારે આપણે બીજી ચાર બાબતો વિશે ચર્ચા નહિ કરીએ, એક બાબત જે આ બધામાં સામાન્ય પણે જોવા મળી એ આ હતી. તમામ શતાયુ લોકો એમના સંપર્કમાં આવતા બીજા લોકો પ્રત્યે અત્યંત પ્રેમ ભર્યો, હૂંફાળો અને મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખતાં હતાં. વૈજ્ઞાનિકો કહે છે કે આવું કરવાથી મનુષ્યના મન ઉપરનું ‘સ્ટ્રેસ’ ઓછું થાય છે, જે એમને દીર્ઘાયુષી બનવા માટે મદદરૂપ બને છે.
- Advertisement -
આપણાં દેશમાં તો સદીઓથી આ સૂત્ર સ્વીકારવામાં આવ્યું છે : वसुधैव कुटुम्बकम् પૂ. રમણ મહર્ષિ કહેતા હતા, “જે ચૈતન્ય તમારી ભીતર વિલસી રહ્યું છે એ જ ચૈતન્ય અન્ય તમામ જીવાત્માઓમાં પણ બિરાજમાન છે. માટે દરેક મનુષ્ય તમારો ભાઈ કે બહેન નહિ પરંતુ તમે પોતે જ છો એવું માનીને એની સાથે વર્તન કરો.” આપણાં બધાને મિત્રો ઓછા હોય છે અને શત્રુઓ વધારે હોય છે. આજથી આપણાં પૂરતો બદલાવ લાવીશું, આપણે કોઈને આપણો શત્રુ કે વિરોધી નહીં માનીએ. જે આપણી નિંદા કરે છે, જે આપણું બૂરું બોલે છે અને ઈચ્છે છે એમના પ્રત્યે પણ પ્રેમ અને સદ્ભાવ રાખીશું. કોઈએ સરસ કહ્યું છે. “પ્રેમ એક એવું તીર છે જે આપણાં હૃદયની કમાનમાંથી છૂટે છે એ પછી જયાં વાગે છે ત્યાંથી પ્રેમ લઈને જ પાછું આવે છે.”




