વિજ્ઞાન યાત્રા 3.0માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ડે. ડાયરેક્ટર પિયુષ ગેડિયાનું વ્યાખ્યાન
લાઈફ સાયન્સ વિદ્યાશાખાના નવનિયુક્ત ડીન પ્રો. રમેશ કોઠારીનું સન્માન કરાયું
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવન અને ‘વિજ્ઞાન ગુર્જરી’ (વિજ્ઞાન ભારતી – ગુજરાત પ્રાંત)ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૧ સપ્ટેમ્બરથી ૦૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ૧૫ દિવસીય ‘વિજ્ઞાન યાત્રા ૩.૦’ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રેણીના ત્રીજા દિવસે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS), રાજકોટના સાયન્ટિસ્ટ ‘C’ અને નાયબ નિયામક પિયુષ ગેડિયાનું વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. આ સત્રમાં તેમણે “ગુણવત્તા, વિશ્વાસ અને વેપાર: ભારતની ધોરણ (Standards) વ્યવસ્થા પાછળનું વિજ્ઞાન” વિષય પર ઊંડાણપૂર્વક છણાવટ કરી હતી. આઈઆઈટી મુંબઈના સ્નાતક અને ૧૩ દેશોમાં BISનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા શ્રી પિયુષ ગેડિયાએ સ્ટીલ (IS 1786), સિમેન્ટ (IS 269) અને સ્ટ્રક્ચરલ સ્ટીલ (IS 2062) સહિત વિવિધ મટિરિયલ્સ માટેના સુરક્ષા માપદંડો, ટેસ્ટિંગ પદ્ધતિઓ તથા BIS હોલમાર્કિંગ અને Quality Control Orders (QCO)ની ભૂમિકા વિગતવાર સમજાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિક વેપારની કરોડરજ્જુ સમાન છે. આ વ્યાખ્યાનમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને બાયોસાયન્સના વિદ્યાર્થીઓ તથા સંશોધકો ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લાઈફ સાયન્સના ડીન તરીકે તાજેતરમાં નિયુક્ત થયેલા પ્રો. રમેશ કોઠારીનું યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો. નિકેશ શાહ દ્વારા શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિજ્ઞાન યાત્રાના કન્વીનર ડૉ. પીયૂષ એસ. સોલંકી તેમજ કો-ઓર્ડિનેટર પ્રો. કે. બી. મોદી, પ્રો. એચ. ઓ. જેઠવા, ડૉ. અશ્વિની ડી. જોશી, ડૉ. ડેવિટ બી. ધ્રુવ, ડૉ. ધીરેન પંડ્યા અને ડૉ. મેઘા વાગડિયા સહિતના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ભારવીબેન હિરપરા અને પાયલ જોશીએ કર્યું હતું.




