કાર્તિક મહેતા : કાર્તિકોલોજી
માંગવાનું કોઈ પર્વ હોઈ શકે ? ક્ષમાઆપણે તો એ તરફ જઈ રહ્યા
છીએ કે જયા પર્વ એટલે કર્કશ ડીજે, પારાવાર ખર્ચ, બહારનું (મોટે ભાગે નબળી કક્ષાનું) ભોજન, ધૂમ ધડાકા, દેખાડા અને દંભ.. એવો અર્થ થવામાં છે. કદાચ આવતી પેઢીને તહેવાર એટલે આ બધું એવી જ સમજણ હશે.. વિનાશકાળે વિપરીત બુદ્ધિ આને જ કહેવાતું હશે.
ખેર, પર્વ કે તહેવાર સામાન્યતઃ ધાર્મિક હોય છે.. અથવા ઉજવણી હોય છે.. પરંતુ ક્ષમા માંગવાનો તહેવાર પણ હોય ?
હા, હોય.. ભાદરવા સુદ ચતુર્થી એટલે કે સંવત્સરી..
જગતનો એકમાત્ર તહેવાર કે જેમાં ક્ષમા માંગવાનું કામ કરવામાં આવે છે..
કેટલી સુંદર પરિકલ્પના છે કે કોઈ માણસ બીજા માણસ પાસેથી ક્ષમા માંગે એનો પણ તહેવાર હોય.. કોઈ ગોકીરો નહિ, ઘોંઘાટ નહિ, કોઈ દંભ દેખાડો નહી, કોઈ કથા વાર્તા નહિ, કોઈ દેવ દેવીને રીઝવવાના પ્રયાસ નહિ.. બસ ક્ષમા માંગવાની.
ભારતીય તત્વદર્શનોમાં જૈન દર્શન બહુ વિશિષ્ટ છે. કેમકે આ દર્શન સમજવું સરળ છે, સહજ છે, એમાં કોઈ બાહ્ય આડંબર નથી.. આ દર્શન પરમાત્માને બદલે આત્માની વધારે વાત કરે છે ..એકદમ પ્રેકટિકલ છે… દરેક જીવનું કલ્યાણ થાય એવી ભાવના જૈન દર્શનનો કેન્દ્રીય વિચાર છે..
જૈન દર્શનમાં યમ નિયમનું બહુ મહત્વ છે. પાંચ યમ એટલે કે વ્રત (અહિંસા અસ્તેય અપરિગ્રહ સત્ય અને બ્રહ્મચર્ય) .. યોગ માર્ગમાં પણ પાંચ યમ આ જ છે.
અહિંસા એટલે વણજોઈતી હિંસાનો ત્યાગ અસ્તેય એટલે અણહકનું લેવાનો ત્યાગ
સત્ય એટલે સાચનો આગ્રહ
અપરિગ્રહ એટલે નકામું સંગ્રહવાનો ત્યાગ છેવટે આવે બ્રહ્મચર્ય એટલે કે અકારણ
અને અનૈતિક મૈથુનનો ત્યાગ
નિયમ એટલે જીવનના સમયને શિસ્તપૂર્વક વાપરવા માટે પાળવામાં આવતી ચર્યાઓ..જેથી શરીર દુઃખી અને રોગી થાય नहि.
આ ઉપર જે લખ્યું તે પાળવું જેટલું દેખાય એટલું સરળ નથી. આ બધા વ્રત જો બધા પાળે તો આ જગત સ્વર્ગ બની જાય. પરંતુ એવું થતું નથી. માણસ છેવટે તો પ્રાણી છે. એનાથી અનેક સ્થળે અને કાળે ભૂલચૂક થાય છે.. અનીતિ થાય છે.. માણસ આવેગોને વશ થઈને અનેક નિર્ણયો લે છે.
આથી, જૈન દર્શનમાં બહુ સરસ આયોજન થયેલું છે.
જૈન દર્શન પ્રેક્ટિકલ છે. એટલે મનુષ્યથી થતા પાપ, દોષ, ભૂલ વગેરેને ધ્યાને લઇને એમાં અદભૂત વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વ્યવસ્થા એટલે પ્રતિક્રમણ.
પ્રતિક્રમણ એટલે એક નાનું એવું પ્રાયશ્ચિત સમજી લો.
પ્રાયશ્ચિત એટલે પ્રાય+ ચિત્ત. મનને જૂની અવસ્થામાં પાછું લાવી દેવું તે..
અપરાધ થાય, ભૂલો થાય, દોષ આવે તો માણસ એનાથી પસ્તાય, પસ્તાવો જોઈએ.. પણ પસ્તાવો યોગ્ય માર્ગ નથી. તે પશ્યાતાપ છે, એટલે કે થયા બાદ થતો સંતાપ… ગિલ્ટ.. અપરાધભાવ.
આથી, ભૂલ, દોષ કે અપરાધ માટે પ્રયશ્ચિતની વ્યવસ્થા છે, પશ્ચાતાપની નહિ.
સંવત્સરી ને દિવસે જે મિચ્છામી દુક્કડમ કહેવાય છે એનો ભાવાર્થ (ખરો ઉચ્ચાર)
છેઃ મિથ્યા મે દુષ્કૃતમ.. મારા દુષ્કૃત્ય ને મિથ્યા કરો..
આને સંવત્સરીનું પ્રતિક્રમણ કહેવાય. સંવત્સર એટલે વર્ષ અને વર્ષની શરૂઆત (કે અંત?) જો પ્રતિક્રમણ થી થાય તો નવું વર્ષ ખરેખર નવું લાગે.. જૂનો ભાર ખંખેરાઈ ભય..
પ્રતિક્રમણ જૈન દર્શનનું એક બહુ મોટું યોગદાન છે.. આ એક વિજ્ઞાન છે .. જેને અંગ્રેજીમાં કેથારસિસ કહેવાય. ખ્રિસ્તી મતમાં પણ કનફેશન નું નુ બહુ માહાત્મ્ય છે.હિન્દી ફિલ્મોમાં ચર્ચની અંદર જઈને ચર્ચના પ્રિસ્ટ પાસે એક લાકડાના બનેલા બોક્સ પાસે બેસીને મોકળા મને પાપનો એકરાર થાય તેને કનફેશન કહેવાય છે અને તે પણ એક પ્રાયશ્ચિતનું મિકેનિઝમ
છે. પ્રાયશિચત માણસને હળવો અને
દોષમુક્ત કરે છે.. હોમિયોપથી એક પ્રચલિત અને પ્રભાવક ચિકિત્સા પદ્ધતિ છે જેમાં દર્દીને દવા આપતા પહેલા એની હિસ્ટ્રી લેવામાં આવે છે. એની અંદર દબાઈને પડેલ ભાવો, કુંઠાઓ, એના મનમાં ભરેલ વ્યથાઓ, કથાઓ, ઘટનાઓ નો ક્યાસ લેવાય છે. હોમિયોપથી કહે છે કે મનની અંદર પડેલ આ કચરો અનેક ક્રોનિક રોગોનું કારણ છે.
સંવત્સરી પ્રતિક્રમણ થકી જીવ આવા માનસિક ભારથી મુક્ત થઈ શકે છે.. માત્ર અંદરથી ક્ષમા માંગીને થતો હળવાશનો અનુભવ એક મોટી ઔષધનું કામ કરે છે.
અતિક્રમણ આજે આપણા સંસાર અને સંસ્કારનો ભાગ બન્યું છે. દરેક બાબતે આજે આપણે અતિક્રમણ કરીએ છીએ. ખાવાથી લઈને સ્ક્રીન જોવા સુધીની બાબતે!! આ અતિક્રમણ નો એક માત્ર ઉપાય પ્રતિક્રમણ છે.. જગતને પોલ્યુશન થી લઈને કરપશન સુધીના દુષણ થી બચાવવાનો ઉપાય પ્રતિક્રમણની અંદર છે.
બસ ક્ષમા પ્રાર્થવાની અને પૂરું !! કોઈ આડંબર, કોઈ વિધિ નહિ..
આવી જ રીતે કોઈ આડંબર કે દંભવિનાનો એક કોન્સેપ્ટ જૈન દર્શને અનુમોદનાનો આપ્યો છે.
કોઈપણ વિચાર સ્વીકાર્ય ના હોય તો એને અનુમોદના આપવી નહી.. ના એનો વિરોધ, ના કોઈનો દ્વેષ, ના કોઈ સાથે વેર.. માત્ર એને અનુમોદના ના આપવી.
કેટલી ઊંચી વ્યવસ્થા છે !
દાખલા તરીકે અહિંસાના વ્રતનું પાલન કરવા હું માંસહારનું સમર્થન કરું નહિ.
પણ અહીંયા મારે માંસાહાર ની અનુમોદના કોઇરિતે કરવાની નથી.
કોઈ માંસ ખાય તો એ વ્યક્તિનો વિરોધ કરવાની, એની સાથે શત્રુતા બાંધવાની, એને દ્વેષ થી જોવાની જરૂર નથી.
બસ એને અનુમોદના આપવી નહી.
એટલે શું?
અર્થાત્, માંસ ખવાતું હોય ત્યાં જવું નહિ, માંસ ખાવાની ક્રિયાને સૂક્ષ્મ રીતે પણ પ્રચારવી કે પ્રસારવી નહિ. એના ઉપર સૂક્ષ્મ મજાક પણ કરવી નહિ.
અનુમોદના અર્થાત્ હું આ વિચારને મારી અપ્રુવલ આપતો નથી. કોઈ રીતે નહિ.
એનાથી વિરૂદ્ધ સારા વિચારોને અનુમોદના આપવી, એટલે કે એનો પ્રચાર પ્રસાર થાય એવું કરવું.
પ્રતિક્રમણ અને અનુમોદના બેય જૈનો અને જૈન દર્શનમાં વારંવાર દેખાતા શબ્દો છે. એનું પાલન સહજ સરળ છે પણ એનો પ્રભાવ બહુ ઊંડો અને ઉન્નતિ કરવા વાળો છે..
સર્વ જીવોને મારા મિથ્યા મે દુષ્કૃતમ !..




