ચિંતન ગમે તેટલું થાય, પરંતુ નિર્ણયોની અમલવારી અને સ્થાનિકથી પ્રદેશ નેતૃત્વ વચ્ચેના સંકલન વિના ચૂંટણી મેદાનમાં સફળતા અશકય
રીના બ્રહ્મભટ્ટ : વિશેષ
- Advertisement -
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ અને ૨૪ સપ્ટેમ્બરે સમગ્ર કેન્દ્રીય મંત્રીમંડળ સાથે બે દિવસની ‘ચિંતન શિબિર’ યોજવાના છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનો લગભગ અડધો
સમય પૂર્ણ થઈ રહ્યો છે. એટલે આને માત્ર મંત્રીઓની સામાન્ય બેઠક તરીકે જોવાને બદલે અત્યાર સુધીના શાસનનું મૂલ્યાંકન, આગળની પ્રાથમિકતાઓ નક્કી કરવી અને મંત્રાલયો વચ્ચે વધુ સારું સંકલન કેવી રીતે થાય તે
અંગેની વિચારમંથન બેઠક તરીકે નિષ્ણાતોમાં જોવામાં આવી રહી છે. અહેવાલો પ્રમાણે મંત્રીઓને નાના જૂથોમાં વહેંચીને શાસન, સંચાર, સ્વ-સુધારણા, મંત્રાલયો વચ્ચે સંકલન અને સરકારી કામગીરી સુધારવા જેવા વિષયો પર
ચર્ચા કરાવવામાં આવશે. મંત્રીઓ પોતાના વિભાગની કામગીરી અને થયેલા સુધારાઓ અંગે રજૂઆત પણ કરશે.
તેવામાં પ્રશ્ન તે છે કે, આટલી મોટી ‘ચિંતન શિબિર’ની જરૂર કેમ પડતી હોય છે ? સરકાર ચલાવવી એટલે માત્ર યોજનાઓ જાહેર કરવી નહીં, પરંતુ તે યોજનાઓ જમીન પર કેટલી પહોંચી, ક્યાં અટકી, લોકો સુધી સરકારી સેવાઓ કેટલી સરળતાથી પહોંચી રહી છે અને અલગ-અલગ મંત્રાલયો વચ્ચે સંકલન કેટલું છે ? તેની પર સતત ધ્યાન આપવું પણ જરૂરી છે. ઉદાહરણ તરીકે, કેન્દ્ર સરકાર કોઈ એક યોજના માટે નાણાં ફાળવે, બીજું મંત્રાલય તેની અમલવારી સાથે જોડાયેલું હોય અને રાજ્ય સરકારો સાથે સંકલન જરૂરી હોય તો માત્ર એક મંત્રાલયની સારી કામગીરી પૂરતી નથી. આવા સ્થળે મંત્રાલયોની વચ્ચે સંકલન ન હોય તો સારી યોજના પણ ધીમી પડી શકે કે ફેઈલ પણ થઇ શકે.એટલે આવી બેઠકમાં ‘શું નક્કી કર્યું?’ કરતાં ‘જે નક્કી કર્યું હતું તે કેટલું થયું અને હવે શું સુધારવું?’ એ સવાલ વધુ મહત્વનો બને છે અને ભાજપનો સફળતાનો મંત્ર પણ આવા ક્યાંક ચિંતનોમાં જ કે એનાલિસિસ માં જ રહેલો છે.
વેલ આ અંગે, ૨૦૨૧ની ચિંતન શિબિરમાં પણ મંત્રીઓને જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. તેમાં વ્યક્તિગત કાર્યક્ષમતા, યોજનાઓના અમલ, મંત્રાલયની કામગીરી, હિતધારકો સાથે સંવાદ, પક્ષ સાથે સંકલન, અસરકારક સંચાર અને સંસદીય કામગીરી જેવા વિષયો પર વિચારમંથન થયું હતું. કેટલાક જૂથોને ટેક્નોલોજી આધારિત દેખરેખ, કામગીરીના ડેશબોર્ડ અને યુવા વ્યાવસાયિકોની મદદ જેવી બાબતો પર પણ કામ સોંપાયું હતું. આ વખતે પણ ૨૦૨૧ના નિર્ણયોની કેટલી અમલવારી થઈ તેની માહિતી મંત્રાલયો પાસેથી માંગવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. એટલે આ વખતેની બેઠકનો એક મહત્વનો પ્રશ્ન એવો પણ બની શકે છે કે પાંચ વર્ષ પહેલાં જે સુધારાની વાત થઈ હતી, તેમાંથી ખરેખર કેટલું અમલમાં આવ્યું? જો કે, શું આનો અર્થ મંત્રીમંડળ બદલાવ નક્કી છે?
ત્યારે આ ચિંતન શિબિરને લઈને કેટલા અખબારો અને નિષ્ણાતોમાં તેમ ચર્ચા છે કે, કદાચ આ શિબિર મંત્રીમંડળ માં ફેરબદલને લઈને છે. તેવામાં ચિંતન શિબિર અને મંત્રીમંડળ ફેરબદલની ચર્ચા એક જ સમયે ચાલી રહી છે, પરંતુ આ એક અટકળ છે.ચિંતન શિબિર મંત્રીમંડળ બદલવા માટે જ યોજાઈ રહી છે એવું સત્તાવાર રીતે જાહેર થયું નથી. હા, તાજેતરમાં વડાપ્રધાને રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે બેઠક કરીને તેમના વિભાગોની કામગીરી, પ્રોજેક્ટની પ્રગતિ, સમયસર અમલ અને પારદર્શિતા અંગે સમીક્ષા કરી હતી. આ દરમિયાન મંત્રીમંડળમાં સંભવિત ફેરફાર અંગેની અટકળો પણ ચાલી રહી હતી. અહીંથી રાજકીય ગણિતની ચર્ચાસ્વાભાવિક છે. મંત્રીમંડળમાં ફેરફાર થાય ત્યારે માત્ર વ્યક્તિ બદલાતી નથી.પ્રદેશ, સામાજિક પ્રતિનિધિતુ, અનુભવ, નવા ચહેરાઓ ને તક, વિભાગની કામગીરી અને સરકારની આગામી પ્રાથમિકતાઓ જેવા અનેક પરિબળો ચર્ચામાં આવી શકે છે. પરંતુ કયા ફેરફાર થશે તે સત્તાવાર નિર્ણય બહાર આવે ત્યાં સુધી તેને અટકળ તરીકે જ જોવું યોગ્ય છે.
- Advertisement -
તો શું કોંગ્રેસમાં આવી વ્યવસ્થા નથી? જો કે, સાવ તેવું પણ નથી .થોડા વર્ષો અગાઉ કોંગ્રેસે પણ ‘ચિંતન શિબિર’ યોજી હતી. ઉદાહરણ તરીકે મે ૨૦૨૨માં ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ હતી. તેમાં રાજકીય, આર્થિક, સામાજિક ન્યાય, ખેડૂતો, યુવાનો અને સંગઠન જેવા આ છ મુખ્ય ક્ષેત્રોમાં અલગ- અલગ જૂથો બનાવી ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસે તે માટે છ સંકલન સમિતિઓ પણ બનાવી હતી. પરંતુ અહીં એક મોટો તફાવત સમજવો જરૂરી છે. સરકારની ચિંતન શિબિર અને રાજકીય પક્ષની ચિંતન શિબિરનો હેતુ એકસરખો નથી હોતો. સરકારની બેઠકમાં મંત્રાલયોની કામગીરી, નીતિના અમલ, વહીવટી સુધારા અને આગળના શાસન અંગે ચર્ચા થાય છે,જ્યારે પક્ષની બેઠકમાં સંગઠન, રાજકીય વ્યૂહરચના, ચૂંટણી, સામાજિક જોડાણ અને પક્ષની આંતરિક રચના જેવા મુદ્દા મહત્વના બને છે.કોંગ્રેસની પોતાની સત્તાવાર માહિતી પ્રમાણે ૨૦૨૨ની ઉદયપુર બેઠકમાં પણ સંગઠન અને રાજકીય વ્યૂહરચના સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
પરંતુ બીજી તરફ, કોંગ્રેસની આવી બેઠકોના ચર્ચાયેલા નિર્ણયોને જમીન પર કેટલા પ્રમાણમાં અમલમાં મૂકવામાં આવ્યા, તે અંગે ભૂતકાળમાં પ્રશ્નો પણ રહેલા છે. ૨૦૨૨ની ચિંતન શિબિર અંગેના એક વિશ્લેષણમાં પણ કોંગ્રેસના અગાઉના સંગઠનાત્મક સુધારા અંગેના સૂચનોના અમલ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. તેવામાં હાલમાં ગુજરાતની જ વાત કરીયે તો,કોંગ્રેસ માટે ગુજરાતમાં બનાસકાંઠાનું ઉદાહરણ કેમ મહત્વનું છે ? હમણાં જ બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈને વિવાદ સામે આવ્યો છે. અહેવાલો અનુસાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પ્રદેશની મંજૂરી વિના નવી જિલ્લા ટીમ જાહેર કરી હતી અને પ્રદેશ કોંગ્રેસે તે માળખું રદ કર્યું. ત્યારબાદ આંતરિક મતભેદો વધુ જાહેર
થયા અને જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખના રાજીનામાની પણ વાત સામે આવી. ત્યારે અહીંથી એક મોટો સંગઠનાત્મક સવાલ ઊભો થાય છે જો પક્ષની અંદર જ જિલ્લા સ્તરે નવી ટીમ બનાવતી વખતે પ્રદેશ અને સ્થાનિક નેતૃત્વ વચ્ચે પૂરતું સંકલન ન રહે, તો ચૂંટણીના મેદાનમાં સંકલિત રીતે કામ કેવી રીતે થશે? આ પ્રશ્ન માત્ર કોંગ્રેસ માટે જ નહીં, કોઈપણ રાજકીય પક્ષ માટે મહત્વનો છે. કારણ કે સંગઠનનું કામ માત્ર પદો વહેંચવાનું નથી. સ્થાનિક કાર્યકરોનો અભિપ્રાય, નેતાઓ વચ્ચે સંકલન, ઉમેદવાર પસંદગી, મતદારો સાથે સતત સંપર્ક અને જૂથવાદ નિયંત્રિત કરવાની ક્ષમતા આ બધું ચૂંટણી પહેલાં જ ગોઠવવું પડે છે.
તો ચિંતન શિબિર કેટલી જરૂરી?
ત્યારે તેનો જવાબ બેઠક યોજાઈ કે નહીં એમાં નહીં, પરંતુ બેઠક પછી શું બદલાયું તેમાં છે.ચિંતન શિબિર ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે ત્યાં માત્ર ભાષણો ન થાય, પરંતુ દરેક વિભાગ માટે સ્પષ્ટ પ્રશ્નો પૂછાય.સાચા અર્થમાં ચિંતન થાય, મંથન થાય. તે સિવાય ચૂંટણી જીતવા, કયા લક્ષ્યાંક નક્કી થયા હતા? કેટલા પૂરા થયા? ક્યાં વિલંબ થયો? જવાબદારી કોની હતી? લોકોને ક્યાં મુશ્કેલી પડી?
આગામી એક-બે વર્ષમાં શું બદલવાનું છે?
અને સૌથી મહત્વનું બેઠક પૂરી થયા પછી તેના નિર્ણયો માટે સમયમર્યાદા અને જવાબદારી નક્કી થાય.કારણ કે દેશ હોય, રાજ્ય હોય કે રાજકીય પક્ષ ચિંતન તો એક દિવસમાં થઈ શકે, પરંતુ પરિણામ માટે સતત અમલ જોઈએ.આથી દિલ્હીની ચિંતન શિબિર સાથે ગુજરાતના બનાસકાંઠાના કોંગ્રેસ વિવાદને જોતા એક મોટો સવાલ સામે આવે છે,રાજકારણમાં ચિંતન શિબિરની જરૂર છે કે નહીં એ પ્રશ્ન કરતા અગત્યનું છે કે ચિંતન પછી નિર્ણય કેટલો બદલાય છે અને નિર્ણય પછી જમીન પર કેટલું કામ કે અમલવારી થાય છે?




