શૈલેષ સગપરિયા : શૈલવાણી
એક ભાઈ પોતાના નાના દીકરાને સાથે લઈને સાંજના સમયે ફરવા માટે નીકળ્યા. અચાનક રસ્તામાં શાળામાં સાથે ભણતા મિત્રનો ભેટો થઈ ગયો. પોતાની વૈભવી કાર પાસે સૂટબૂટમાં ઊભેલા આ મિત્રને જોઈને જ ખબર પડી ગઈ કે થોડાં વર્ષોમાં આ મિત્રે ઘણી કમાણી કરી છે. આમ છતાં કુતૂહલવશ પૂછ્યું. દોસ્ત, તું શું કરે છે ? ક્યાં રહે છે તું ?
- Advertisement -
પેલા મિત્રે જરા છાતી કાઢીને કહ્યું, મારા ત્રણ-ચાર બિઝનેસ ચાલે છે. રાજકોટમાં જ બે બંગલા છે. ચાર પ્લોટ છે. કાલાવડ રોડ પર જ હમણા ૨૫ એકર જમીન લીધી. એક મોટો પાર્ટી પ્લોટ ખરીદવાની ચર્ચા ચાલે છે. એક શાળામાં અને એક કોલેજમાં પણ ભાગીદારી છે. પણ એ તો કહે તું શું કરે છે ?
પેલા ભાઈએ તો જરા સંકોચ સાથે કહ્યું. હું તો સામાન્ય નોકરી કરું છું, અને લોન લઈને એક નાનું મકાન બનાવ્યું છે, જેમાં મારી પત્ની અને આ દીકરા સાથે રહું છું. આ બંને મિત્રોની વાત સાંભળી રહેલા પેલા નાના છોકરાએ પોતાના પિતાના પૈસાદાર મિત્રની સામે જોઈને આશ્ચર્યથી પૂછ્યું, અંકલ આટલા બધાં રૂપિયા તમે કેવી રીતે કમાયા ? જવાબમાં પેલા ભાઈએ પોતાના સવારે ઊઠવાથી શરૂ કરીને રાતના સૂવા સૂધીના સમયનું સમયપત્રક કહી દીધું. છોકરાએ પોતાના આ અંકલને એટલું જ પૂછ્યું, અંકલ આટલી વ્યસ્તતામાં જીવો છો ક્યારે ?
પેલા ભાઈએ હસતાં હસતાં કહ્યું, અરે ગાંડા, આ જીવું જ છું ને!
છોકરાએ પણ સ્મિત સાથે કહ્યું, માત્ર શ્વાસ લેવાને જીવવું કહેવાય ? અને પોતાના પિતાની આંગળી પકડીને કહ્યું, ચાલો પપ્પા આપણો રમવાનો ટાઈમ થઈ ગયો, અને આજે બોલિંગ તમારે કરવાની છે હો !
આપણે જીવીએ છીએ કે માત્ર શ્વાસ જ લઈએ છીએ ?
- Advertisement -
સંપત્તિ, સત્તા અને દક્ષતા માત્ર જીવનના સાધનો છે ખુદ જીવન નહીં.
– ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ




