શૈલેષ સગપરિયા : શૈલવાણી
સ્વામી રામદાસ કોઈ એક નગરમાં ભિક્ષા માંગવા માટે નીકળ્યા હતા. એક ઘરના દરવાજા પાસે ઊભા રહીને એણે ભિક્ષા માટે આહલેક લગાવી : રઘુવીર સમર્થ.
અવાજ સાંભળીને ઘરમાંથી એક સ્ત્રી થોડી ભિક્ષા લઈને આવી. ભિક્ષાપાત્રમાં ભિક્ષા આપીને એ બોલી, મહારાજ, મને કંઈક ઉપદેશ આપો. સ્વામી રામદાસે કહ્યું, બહેન, કાલે ઉપદેશ આપીશ.
બીજા દિવસે પેલી સ્ત્રી સ્વામી રામદાસની રાહ જોઈને જ બેઠી હતી. જેવો રઘુવીર સમર્થ અવાજ સંભળાયો કે એ દોડતી બહાર આવી. એમણે કહ્યું, મહારાજ, આજે તો આપના માટે ખૂબ સરસ મજાનો દૂધપાક બનાવ્યો છે.
કેસર અને ઇલાયચી નાખી છે. બદામ, પિસ્તા અને ચારોળીથી સજાવ્યો છે. થોડી વાર ઊભા રહો હું લાવું છું . જેવી પેલી સ્ત્રી ઘરમાં દૂધપાક લેવા ગઈ કે સ્વામી રામદાસે તુરંત જ પોતાના ખાલી કમંડળમાં શેરીમાં પડેલો કચરો
અને ધૂળ ભરી લીધા. રસ્તામાં પડેલા સડેલા શાકભાજી પણ કમંડળમાં નાખ્યા. પેલી સ્ત્રી દૂધપાક લઈને આવી એટલે સ્વામીજીએ આ કમંડળ આગળ ઘર્યું. પેલી સ્ત્રીએ કમંડળમાં નજર કરી એટલે બોલી, અરે સાધુ મહારાજ,
તમારું આ કમંડળ તો સાવ ગંદું છે. અંદર ધૂળ, કચરો અને સડેલાં શાકભાજી પડયાં છે.
ભલેને ગંદું રહ્યું બહેન. તું આ કમંડળમાં દૂધપાક નાખી દે. અરે મહારાજ, મેં બહુ મહેનત કરીને આ દૂધપાક બનાવ્યો છે. કેટલો સરસ બન્યો છે.
અરે બહેન, હું પણ એ જ કહું છું ને કે તારો આ સરસ દૂધપાક મારા કમંડળમાં નાખી દે. કમંડળ ભલેને ગંદું રહ્યું દૂધપાક તો સારો છે ને!
અરે સ્વામીજી, તમારું મગજ ચાલે છે કે નહીં. દૂધપાક ગમે તેટલો સારો હોય પણ કમંડળ ગંદું હોય તો દૂધપાક પણ ગંદો જ થઈ જાય. માટે પહેલા આ કમંડળ બરાબર સાફ કરો પછી જ દૂધપાક આપીશ.
બસ બહેન, મારે પણ તને એ જ કહેવું છે કે પહેલા મનનું કમંડળ સાફ કર પછી જ મારા ઉપદેશરૂપી દૂધપાકનો આસ્વાદ માણી શકીશ.
જીવનમાં ઉપદેશનો આનંદ ન મળે ત્યારે આપણે ઉપદેશનો વાંક કાઢીએ છીએ; પણ આપણા ગંદા મનનું શું?
- Advertisement -
મેલા અને ઢંગધડા વિનાના કપડાંથી જો આપણને શરમ આવતી હોય, તો પછી મેલા અને ઢંગધડા વિનાના વિચારોથી પણ આપણે શરમાવું જોઈએ. : આઈન્સ્ટાઈન




