શું દંડ માત્ર સ્ટોપ લાઇન ઓળંગવા માટે જ છે?
કેટલાંક વાહનચાલકો સીધા જવા માટે ડાબી બાજુએ જ વાહન ઉભા રાખી દેતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્માર્ટ સિટી તરફ ડગ માંડી રહેલા રાજકોટમાં ટ્રાફિક સમસ્યા હવે માત્ર રસ્તાઓની મર્યાદા નથી રહી, પરંતુ તે આપણી ‘ટ્રાફિક સેન્સ’ અને તંત્રની ‘આયોજન શક્તિ’ની કસોટી સમાન બની ગઈ છે. ટ્રાફિકનું સુચારૂ સંચાલન એ જેટલું પોલીસનું કામ છે, તેટલી જ જવાબદારી નાગરિકોની પણ છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા લાગે છે કે બંને પક્ષે ક્યાંક કચાશ રહી ગઈ છે.
રાજકોટના લગભગ દરેક ટ્રાફિક સિગ્નલ પર ડાબી તરફ જવા માટે ‘ફ્રી લેફ્ટ’ની સુવિધા છે, જેથી વાહનચાલકોએ સિગ્નલ ખુલવાની રાહ જોવી ન પડે. પરંતુ કમનસીબી એ છે કે, કેટલાંક વાહનચાલકો સીધા જવા માટે ડાબી બાજુએ જ વાહન ઉભા રાખી દે છે. પરિણામે, જેમને ડાબી તરફ જવું છે તેઓ પણ અટવાઈ જાય છે.
જો સ્ટોપ લાઇનથી સહેજ આગળ વધવા પર રૂ. 500થી 1000ના ઈ-ચલણ ફટકારવામાં આવતા હોય, તો કેમેરામાં સ્પષ્ટ દેખાતા આ ‘લેફ્ટ બ્લોકર્સ’ કેમ દંડાયા વગર રહી જાય છે? આવા ચાલકોને પણ કેમેરા કે સ્થળ પર હાજર પોલીસ દ્વારા કડક દંડ ફટકારવો જોઈએ, જેથી નાગરિકોના સમય, શક્તિ અને ઇંધણનો બગાડ થતો અટકે.
શહેરના હૃદય સમાન ત્રિકોણ બાગ વિસ્તારમાં ટ્રાફિકની સ્થિતિ અત્યંત ગંભીર છે. ખાસ કરીને ત્યાંની જગ્યા આખો દિવસ સિટી બસોના પાર્કિંગથી ભરાયેલી રહે છે. આ 100 મીટરનું અંતર કાપવું એ નાગરિકો માટે જીવના જોખમ સમાન બની ગયું છે. એક તરફ રોડ પર સિટી બસોનો જમાવડો છે. બીજી તરફ સિટી બસની ટિકિટબારી પાસે બનાવવામાં આવેલી ’ડેડિકેટેડ પાર્કિંગ લેન’ ખાલી પડી રહે છે અથવા ત્યાં રિક્ષાચાલકોએ કબજો જમાવી દીધો છે. જો સામેની બાજુએ બસો માટે અલગ લેન હોય જ, તો ડાલ્ટન ટ્રેનિંગ સેન્ટર પાસે બસો પાર્ક કરી ટ્રાફિક જામ કેમ કરવામાં આવે છે? કાં તો આ વિસ્તારને ’નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવો જોઈએ અથવા જો તે લેનનો ઉપયોગ બસો માટે ન થતો હોય તો તેને નાબૂદ કરી રસ્તો પહોળો કરવો જોઈએ જેથી ટ્રાફિક હળવો થઈ શકે. ટ્રાફિક સમસ્યાનો ઉકેલ માત્ર દંડમાં નથી, પણ યોગ્ય વ્યવસ્થાપનમાં છે. રાજકોટ તંત્ર પાસે અપેક્ષા છે કે તેઓ માત્ર સ્ટોપ લાઇન અને હેલ્મેટના ઈ-ચલણ ફાડીને સંતોષ ન માને, પરંતુ જે ખરેખર અડચણરૂપ પાર્કિંગ અને બ્લોકિંગ છે તેના પર પણ ગાજ ઉતારે.



