રાજકોટ શહેરમાં છેલ્લા 19 વર્ષથી અષાઢી બીજે ભવ્ય રથયાત્રા કાઢવાની પરંપરા
26 કિમી લાંબી રથયાત્રા; વૃંદાવન, ઉજ્જૈનની રાસ અને અઘોરી મંડળી આકર્ષણનું કેન્દ્ર; 1800 જવાનો તૈનાત
- Advertisement -
સવારે 8 વાગ્યે રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ રાજવી ઠાકોર સાહેબ માધાતાસિંહ જાડેજાના હસ્તે કરાશે
સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓ માટે 250 કિલો ફણગાવેલા મગ અને 150 કિલો ચણાના પવિત્ર પ્રસાદનું વિતરણ
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં છેલ્લા 19 વર્ષથી અષાઢી બીજના પવિત્ર પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવાની પરંપરા રહી છે. વર્ષમાં માત્ર એક જ વાર જગન્નાથ જ્યારે ભક્તોને દર્શન આપવા અને નગરચર્ચા કરવા માટે નિજ મંદિરેથી બહાર નીકળે છે, ત્યારે સમગ્ર રાજકોટ જાણે ભક્તિના રંગે રંગાઈ જાય છે. આવતીકાલે 16 જુલાઈ ગુરુવારના રોજ અષાઢી બીજના પાવન અવસરે સવારે 8 વાગ્યે જગન્નાથ મંદિરેથી આ ઐતિહાસિક રથયાત્રાનો મંગલ પ્રારંભ થશે. રથયાત્રાની પવિત્ર પહિંદ વિધિ રાજકોટના રાજવી ઠાકોર સાહેબ માધાતાસિંહ જાડેજાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કરવામાં આવશે. અત્યારથી વિવિધ સંસ્થાઓ અને મંડળોમાં ભારે ઉત્સાહ અને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે નીકળનારી રથયાત્રામાં ભક્તો માટે અનેક વિશેષ આકર્ષણો કેન્દ્રસ્થાને રહેવાના છે, જે નગરજનોને મંત્રમુગ્ધ કરશે. ખાસ કરીને વૃંદાવનની પ્રખ્યાત રાસમંડળી, ભયાવહ અને ભક્તિસભર પ્રસ્તુતિ કરતી અઘોરી મંડળી તેમજ ઉજ્જૈનથી વિશેષ રૂપે પધારનારા સૌથી ઊંચા વિરાટ મહાકાળી માતાજી આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. આ કલાકારો રથયાત્રાના નિર્ધારિત રૂટ પર અલગ-અલગ મુખ્ય ચોક અને ચાર રસ્તાઓ પર પોતાની અદ્ભૂત કલા પ્રદર્શિત કરી નગરજનોને ભક્તિસભર મનોરંજન પૂરું પાડશે. સમગ્ર માહોલ ‘જય રણછોડ, માખણ ચોર’ ના નારાઓથી ગુંજી ઉઠશે.
ભગવાનની આ ભવ્ય રથયાત્રા સવારે 8:00 વાગ્યે નિજ મંદિરેથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ વિસ્તારોમાં 26 કિલોમીટર લાંબા ઐતિહાસિક રૂટ પર ભ્રમણ કરશે અને ત્યારબાદ સાંજે 7 વાગ્યે પુનઃ નિજ મંદિરે પરત ફરશે. ભગવાનના સ્વાગત માટે શહેરના વિવિધ સાર્વજનિક, ધાર્મિક, રાજકીય સંગઠનો, વેપારી મંડળો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ભારે તૈયારીઓ કરવામાં આવી છે. આ 26 કિલોમીટર લાંબા રૂટ પર ઠેર-ઠેર ભગવાન પર પુષ્પવર્ષા કરવામાં આવશે. ફુલહાર પહેરાવવામાં આવશે તેમજ ભક્તો માટે શરબત, ઠંડા પીણા અને વિવિધ પ્રસાદનું વિતરણ કરીને રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓ માટે 250 કિલો ફણગાવેલા મગ અને 150 કિલો ચણાના પવિત્ર પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
બપોરે 1:00 વાગ્યે માંધાતાસિંહના ભવ્ય પેલેસ ખાતે રથયાત્રા વિરામ લેશે
રથયાત્રા નિર્ધારિત રૂટ પર આગળ વધશે. જેમાં મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, કાલાવડ રોડ, પુષ્કરધામ મેઇન રોડ, જે.કે.ચોક, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ અને સદરબજાર જેવા વિસ્તારો આવરી લેવાશે. ત્યાંથી આગળ વધીને રથયાત્રા લીમડા ચોક, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, રાજેશ્રી ટોકીઝ રોડ, પેલેસ રોડ, કેવડાવાડી મેઇન રોડ, સોરઠીયાવાડી સર્કલ, દેવપરા શાકમાર્કેટ, સહકાર મેઈન રોડ, PDM કોલેજ, સ્વામિનારાયણ ચોક, મવડી રોડ ફાયરબ્રિગેડ, રાજનગર ચોક અને નાનામૌવા ચોકડી થઈ અંતે નિજ મંદિરે પરત ફરી પૂર્ણ થશે. આ લાંબા રૂટ પર બપોરે 1:00 વાગ્યે માંધાતાસિંહના ભવ્ય પેલેસ ખાતે રથયાત્રા વિરામ લેશે, જ્યાં તમામ ભક્તજનો પરંપરાગત પ્રસાદ ગ્રહણ કરીને થોડો સમય વિશ્રામ કરશે.
રથયાત્રામાં સૌથી પહેલા DJના વાહનો હશે
રથયાત્રામાં વાહનોની ગોઠવણી પણ ખૂબ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી છે. રથયાત્રામાં સૌથી આગળ ધૂમ મચાવતા ડીજેના વાહનો રહેશે, જેની પાછળ મનોરંજક અને ભક્તિમય રાસમંડળીઓ ચાલશે. ત્યારબાદ મુખ્ય ત્રણ ભવ્ય રથ જોડાશે, જેમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી બિરાજમાન થઈ નગરજનોને દર્શન આપશે. આ મુખ્ય રથોની પાછળ પવિત્ર મગના પ્રસાદનો ખાસ રથ ચાલશે અને તેની પાછળ સુંદર રીતે સુશોભિત કરેલા વિવિધ ફ્લોટ્સ ધરાવતા વાહનો જોડાશે.




