નાના મૌવા સર્કલથી કેકેવી, ઇન્દિરા સર્કલ, રૈયા ચોકડી અને માધાપર ચોકડીએ સૌથી વધુ સમસ્યા
ઇન્દિરા સર્કલ તરફથી આવીને રૈયા ગામ તરફ ટર્ન લેવામાં ફિણ આવી જાય છે, ખૂણા પર જ રિક્ષાચાલકોનો અડ્ડો
- Advertisement -
ટ્રાફિક પોલીસ અહીં આરામ કરે છે અને દંડ સિવાય કોઇ કાર્યવાહી કરતી નથી
રાજકોટ શહેરના ધબકતા સમાન ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વધુ જટિલ બની રહી છે. ખાસ કરીને રિંગ રોડ પર આવેલા મુખ્ય રાજમાર્ગો અને સર્કલ પર વાહન ચાલકો માટે બનાવવામાં આવેલા ‘ફ્રી લેફ્ટ’ (ડાબી બાજુનો રસ્તો) પર ગેરકાયદે રીતે ઉભી રહેતી પેસેન્જર રિક્ષાઓ અને ઈકો વાનના કારણે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે.
સામાન્ય રીતે વાહન ચાલકો માટે ડાબી બાજુનો રસ્તો (ફ્રી લેફ્ટ) ખુલ્લો રાખવાનો નિયમ હોય છે જેથી ચોકડી પર સિગ્નલ કે ટ્રાફિક વચ્ચે વાહનો રોકાયા વગર સરળતાથી નીકળી શકે. પરંતુ નાના મૌવા સર્કલ, રૈયા ચોકડી અને માધાપર ચોકડી પર સ્થિતિ સાવ ઉલટી જોવા મળે છે. વળાંક લેતાની સાથે જ આગળ ઉભેલા વાહનોને કારણે પાછળ આવતા વાહન ચાલકોએ અચાનક બ્રેક મારવી પડે છે. જેનાથી નાના-મોટા અકસ્માતો થવાનો પૂરો ભય રહે છે.
- Advertisement -
ફ્રી લેફ્ટ પર ઉભા રહેતા રિક્ષા અને અન્ય વાન ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડકમાં કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે અને આ વળાંકોને તુરંત ‘નો પાર્કિંગ ઝોન” જાહેર કરીને ટ્રાફિક મુક્ત કરવામાં આવે તેવી વાહન ચાલકો અને સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.
કયા-ક્યા ટ્રાફિક પોઈન્ટ પર સૌથી વધુ મુશ્કેલી?
કેકેવી ચોક : નાના મૌવા સર્કલથી કાલાવડ રોડ તરફ ડાબી બાજુ વળતી વખતે જ રિક્ષા અને ઈકો વાન ચાલકો પોતાના વાહનો રોડની વચ્ચોવચ કે વળાંક પર જ પાર્ક કરી દે છે. જેને કારણે પાછળથી આવતા વાહનો અટવાઈ જાય છે.
રૈયા ચોકડી : ઈન્દિરા સર્કલ તરફથી આવીને રૈયા ચોકડીથી ડાબી બાજુ, રૈયા ગામ તરફ વળતાની સાથે જ પેસેન્જરો બેસાડવાની હોડમાં ઉભેલી રિક્ષાઓના કારણે સતત અકસ્માતનો ભય રહે છે.
માધાપર ચોકડી : શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન માધાપર ચોકડી ખાતે ડાબી બાજુના વળાંક પર જ રિક્ષા સહિતનાં ખાનગી વાહનોનો જમાવડો રહેતો હોવાથી પીક અવર્સ દરમિયાન અહીં વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે.




